ખોડિયારનગરમાં ઘર પાસે બોલેરો પાર્ક કરવાની ના પાડતા યુવાનને માથામાં પાનાના ઘા ઝીંક્યા
દોઢસો ફુટ રીંગ રોડ ગોવર્ધન ચોક પાસે ખોડીયાર નગર શેરી નંબર 17 માં રહેતા રાજભા અજીતસિંહ જાદવ(ઉ.વ.31) એ આરોપી ચંદ્રસિંહ ઉર્ફે ગોવિંદ વાઘેલા ને પોતાના ઘર પાસે બોલેરો ગાડી પાર્ક કરવાની ના પાડતા આરોપી ચંદ્રસિંહે ઉશ્કેરાઈને ગાળો આપી અને લોખંડનુ પાનું ફરિયાદી રાજભાને માથામાં ઝીંકી દીધું હતું જેથી તેમને છ ટાકા આવ્યા હતા તેમજ ત્યાં નજીકમાં જ રહેતા વિજય ડાભીએ આરોપીનું ઉપરાણું લઈ ધમકી આપી હતી કે આજે તમે બચી ગયા હવે તું ભેગો થઇસ તો જાનથી મારી નાખીશ તેમજ રાજભાને ઢીકાપાટુંનો માર મારતા તેમના માતા વચ્ચે બચાવવા પડતા તેમને પણ આરોપીએ ધક્કો મારી દીધો હતો.આ મામલે પોલીસમાં બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
રાજભાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈ તા 04/06ના સાંજના હું મારા ઘરની બહાર નીકળી મારા પત્ની કાજલને તેડવા માટે જતો હતો તે દરમિયાન હું મારા ઘરની બહાર મારું બાઈક ચાલુ કરતો હતો ત્યારે અમારી પાડોશમાં રહેતા ચંદ્રસિંહ ઉર્ફે ગોવિંદ વાઘેલાએ તેમની બોલેરો ગાડી મારા ઘરની બહાર મારા ઘરના દરવાજા પાસે પાર્ક કરેલ હતી જેથી મેં આ ચંદ્રસિંહ ઉર્ફે ગોવિંદ વાઘેલાને જણાવેલ કે તમે અમારા ઘરની પાસે તમારી બોલેરો ગાડી શું લેવા પાર્ક કરો છો અમને આવા જવા તમારી ગાડી નડે છે તેવું જણાવતા ચંદ્રસિંહ ઉર્ફે ગોવિંદ વાઘેલા ઉશ્કેરાઈ ગાળો આપી જણાવવા લાગેલ કે તારાથી જે થાય તે કરી લેજે મારી બોલેરો ગાડી તો અહીંયા જ રહેશે.
આ ચંદ્રસિંહ ઉર્ફે ગોવિંદ વાઘેલા ઉશ્કેરાઇ જઈ તેની બોલેરો ગાડીમાંથી લોખંડનું પાનું લઈ મને માથાના ભાગે લોખંડના પાનાના બે ઘા મારી દીધેલ હતા જેથી હું નીચે પડી ગયો હતો અને મારા માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું તે દરમિયાન આ ચંદ્રસિંહ ઉર્ફે ગોવિંદ વાઘેલાના કુટુંબી ભાઈ વિજય ડાભી મારી પાસે આવી મને કહેવા લાગેલ કે મારા ભાઈ ચંદ્રસિંહ સાથે કેમ ઝઘડો કરે છે તેવું જણાવી આ વિજય ડાભીએ ઢીકાપાટોનો માર મારવા લાગ્યો હતો તે વખતે મેં બૂમાબૂમ કરતા મારી માતા સુમિતાબેન અમારા ઘરની બહાર આવી મને છોડાવવા વચ્ચે પડતા આ ચંદ્રસિંહ ઉર્ફે ગોવિંદ વાઘેલા તથા વિજય ડાભી એ મારી માતા સુમિતાબેનને ધક્કો મારી નીચે પાડી દીધા હતા ત્યાં ટોળું એકત્ર થઈ જતા આરોપીએ કહ્યું કે આજે તો તું બચી ગયો હવે પછી તું ભેગો થઈશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી આ બંને જણાં ત્યાંથી ભાગી ગયા હતા.આ મામલે માલવીયા નગર પોલીસના હેડકોન્સ્ટેબલ કે.જી.ઝાલા તપાસ ચલાવી રહ્યા છે.