જામજોધપુરના સળોદરમાં ભગવાનની રીલ્સ મુદ્દે ઠપકો આપ્યાનો ખાર રાખી યુવાન ઉપર છરીથી હુમલો
અલકધામ આશ્રમે બોલાવી બંને શખ્સો તૂટી પડયા; હુમલાખોર શખ્સને જામનગરનાં સમાજે પણ માફી મંગાવી’તી
જામજોધપુરના સળોદર ગામે ઈન્સ્ટાગ્રામમાં ભગવાનની રીલ્સ બનાવવા મુદ્દે ઠપકો આપ્યાનો ખાર રાખી બે શખ્સોએ યુવકને ગામમાં આવેલા રામાપીરના મંદિરે બોલાવી છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જામજોધપુરના સળોદર ગામે રહેતા મિત નાથાભાઈ શ્રીમાળી નામનો 19 વર્ષનો યુવાન રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં ગામમાં આવેલા અલખધામ આશ્રમ રામાપીરના મંદિરે હતો ત્યારે જયેશ ભરતભાઈ રાઠોડ અને અરમાન ભરતભાઈ રાઠોડે હુમલો કરી છરીના ઘા ઝીંકી દીધા હતાં. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે જામનગર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
પ્રાથમિક પુછપરછમાં મિત શ્રીમાળી બે ભાઈ બે બહેનમાં નાનો છે. સાતેક માસ પહેલા હુમલાખોર જયેશ રાઠોડે ઈન્સ્ટાગ્રામમાં ભગવાનની રીલ્સ બનાવી કોમેન્ટ કરી હતી. બાદમાં મિત શ્રીમાળીએ આવું શું કામ કરશ તે બાબતે સમજાવ્યો હતો. જેનો ખાર રાખી ગઈકાલે બન્ને શખ્સોએ રામાપીરના મંદિરે બોલાવી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે અને હુમલાખોર જયેશ રાઠોડને અગાઉ પણ જામનગરના એક સમાજે વિડિયો બનાવવા મુદ્દે માફી મંગાવી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.