રંગીલા સોસાયટીમાં છેડતીના બનાવની અદાવત રાખી યુવાન પર હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યા
દાંડિયારાસ સંચાલકના મિત્રએ ફરિયાદીનાં ધર્મના બહેનની છેડતી કરી હતી
શાંત ગણાતા રંગીલા રાજકોટમા દિવસેને દિવસે ગુનાખોરી વધતી જાય છે નજીવી બાબતે મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે કોઠારીયા રોડ પર હરીધવા માર્ગ રંગીલા સોસાયટીમા યુવક પર ધોકા - પાઇપ વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખતા છ શખ્સો સામે ગુનો નોંધવામા આવ્યો છે . આ ઘટનામા ફરીયાદી યુવાનની માનેલી બહેનની દાંડીયારાસનાં સંચાલકનાં મિત્રએ છેડતી કરતા અગાઉ બોલાચાલી થઇ હતી જેથી ફરીયાદી યુવાને ખાર રાખી દાંડીયારાસનાં સંચાલક સાથે સમાધાન પણ થઇ ગયુ હતુ. આમ છતા આરોપીઓએ એકસંપ થઇ હુમલો કર્યો હતો.
વધુ વિગતો મુજબ હરીધવા રોડ પર ડી માર્ટ ગાર્ડનની સામે પુરુષાર્થ સોસાયટીમા રહેતા પાર્થ ધીરુભાઇ કાકડીયા નામનાં 3ર વર્ષના યુવાને અજય જાડેજા અને બીજા પાંચ અજાણ્યા શખ્સો વિરુધ્ધ ફરીયાદ નોંધાવતા ભકિતનગર પોલીસ મથકનાં પીએસઆઇ વી. એલ. રાઠોડ અને સ્ટાફ તપાસ ચલાવી રહયા છે . આ ઘટનામા જાણવા મળ્યુ હતુ કે બે દિવસ પહેલા હરીધવા રોડ પર આવેલા પટેલ દાંડીયા કલાસીસ ચલાવતા ધર્મેશ પટેલ સાથે પાર્થને માથાકુટ થતા દાંડીયા રાસનાં કલાસીસ બંધ કરાવ્યા હતા તેની જાણ અજયસિંહને થતા અજયસિંહે પાર્થ સાથે બોલાચાલી કરી હતી જે તે સમયે બંને પક્ષ વચ્ચે સમાધાન થઇ ગયુ હતુ .
ત્યારબાદ ગઇકાલે રાત્રીનાં સમયે અજયસિંહે અને તેમનાં મિત્રએ ગેરકાયદે મંડળી કરી હુમલો કર્યો હતો તેમજ પાર્થે જણાવ્યુ હતુ કે તેમની માનેલી બહેન સાથે દાંડીયા રાસનાં કલાસીસ ચલાવતા ધર્મેશ પટેલનાં મિત્રએ છેડતી કરી હોય અને ગેરવર્તણુક કરી હોય જેથી આ મામલે બોલાચાલી થઇ હતી અને જે બાબતનો ખાર રાખી ગઇકાલે રાત્રીનાં સમયે અજયસિંહ અને તેમનાં મિત્રોએ ધોકા પાઇપ વડે હુમલો કરતા પાર્થનાં હાથ પગ ભાંગી નાખ્યા હતા . અત્રે ઉલ્લેખનીય છે કે આ હુમલાની ઘટનાનો ભાજપનાં કોર્પોરેટરનો પુત્ર પણ સંડોવાયેલો હોવાનુ ચર્ચાઇ રહયુ છે.