પ્રેમિકા સાથે મૈત્રી કરારથી રહેતા યુવકને પૂર્વ પ્રેમીએ રહેંસી નાખ્યો
લોધિકાના પારડી ગામની ઘટના: બે માસ પૂર્વે જ ત્યકતા અને યુવક લિવઇનમાં જોડાયા’તા
રાજકોટમા જંગલેશ્ર્વર વિસ્તારમા રહેતી ત્યકતા સાથે બે માસ પુર્વે જ લીવ ઇનશીપમા જોડાયેલો યુવક બે દિવસ પુર્વે જ પ્રેમીકા સાથે લોધીકાનાં પારડી ગામે રહેવા આવ્યો હતો ત્યારે ત્યકતાનાં પુર્વ પ્રેમીએ તિક્ષ્ણ હથીયારનાં 9 ઘા ઝીકી યુવકની હત્યા કરી હતી. માત - પિતાનાં આધારસ્થંભ અને બે બહેનોનાં એકનાં એક ભાઇનાં મોતથી પરીવારમા કાળો કલ્પાંત સર્જાયો છે. પોલીસે હત્યારા શખ્સને ઝડપી લેવા ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ મુળ જામજોધપુર તાલુકાનાં લુટાવદર ગામનાં વતની અને હાલ રાજકોટ નજીક આવેલા પારડી ગામે શિવમ પાર્કમા રહેતો રવી દિલીપભાઇ મકવાણા નામનો 28 વર્ષનો યુવાન રાત્રીનાં એકાદ વાગ્યાના અરસામા પારડી ગામનાં પુલ પાસે હતો ત્યારે દિલીપ આહીર નામનાં શખ્સે તિક્ષ્ણ હથીયારનાં 9 જેટલા ઘા ઝીકી દીધા હતા. લોધી લુહાણ હાલતમા ઢળી પડેલા રવી મકવાણાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવ્યો હતો પરંતુ તેની સારવાર કારગત નીવડે તે પુર્વે જ મોત નીપજતા બનાવ હત્યામા પલ્ટાયો હતો. ઘટનાની જાણ થતા જ શાપર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે અને સિવીલ હોસ્પીટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકનાં મૃતદેહને પીએમ અર્થે મેડીકલ કોલેજ ખાતે ખસેડયો હતો.
પ્રાથમીક પુછપરછમા મૃતક રવી મકવાણા તેનાં માતા - પિતાને આધારસ્થંભ અને બે બહેનોનો એકનો એક ભાઇ હતો. રાજકોટમા જંગલેશ્ર્વર વિસ્તારમા રહેતી પુજાબેન નામની યુવતીનાં અગાઉ વાછડા અનીડા ગામે લગ્ન થયા બાદ છુટાછેડા થઇ ગયા હતા અને બાદમા ઉપલેટાનાં વાસાવડ ગામે રહેતા દિલીપ આહીર સાથે મૈત્રી કરારથી રહેતી હતી બાદમા ત્યકતા પુજાબેનનુ રવી મકવાણા સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને બંનેએ બે માસ પહેલા જ મૈત્રી કરાર કરી લીધા હતા બાદમા બંને કણકોટ ગામે રહેતા રવી મકવાણાનાં પિતા સાથે અને બાદમા જંગલેશ્ર્વરમા રહેતા હતા.
બે દિવસ પુર્વે જ રવી મકવાણા પુજાબેન સાથે પારડી ગામે રહેવા આવ્યો હતો પુર્વ પ્રેમી દિલીપ આહીરે અગાઉ પણ રવી મકવાણાને ધમકી આપી હતી અને ગઇકાલે જીવલેણ હુમલો કરી કરપીણ હત્યા કરી હોવાનુ જાણવા મળ્યુ છે. પોલીસે મૃતક યુવકનાં પરીવારની ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હત્યારા શખ્સને ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા છે.