ધોલેરા કંપનીમાં ભાડે આપેલી ક્રેઇન લેવા ગયેલા રાજકોટના યુવાન ઉપર ધોકા વડે હુમલો
રાજકોટના ત્રંબા ગામે રહેતો યુવાન ધોલેરા ખાતે આવેલ વરાહા કંપનીમાં ભાડે આપેલી ક્રેઇન લેવા ગયો હતો. ત્યારે ક્રેઇનમાં ડીઝલ ન હતું જેથી યુવાને ડીઝલ અને બાકી પેમેન્ટની પૂછપરછ કરતા ચાર શખ્સોએ દારૂૂના નશામાં માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના ત્રંબા ગામે રહેતા રાજીવકુમાર રાજેન્દ્ર પ્રસાદ શ્રીવાસ્તવ નામનો 38 વર્ષનો યુવાન ધોલેરામાં પેટ્રોલ પંપ સામે હતો. ત્યારે ચંદ્રપાલસિંહ, રૂૂપસિંગ, અનુરાગ અને ગુલાબ નામના શખ્સોએ ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ધોલેરા પોલીસને જાણ કરતા ધોલેરા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.પ્રાથમિક પૂછપરછમાં રાજીવકુમાર શ્રીવાસ્તવ મૂળ ઉત્તર પ્રદેશ નો વતની છે અને હાલ ત્રંબા ગામે રહે છે તેણે ધોલેરામાં આવેલ વરાહા કંપનીમાં સીયારાજાને ક્રેઇન ભાડે આપી છે તે ક્રેઇન લેવા ગયો હતો ત્યારે ક્રેઇનમાં ડીઝલ ન હતું જેથી રાજીવકુમાર શ્રીવાસ્તવે ડીઝલ અને બાકી પેમેન્ટ મુદ્દે વાત કરતા હુમલાખોર શખ્સોએ દારૂૂના નશામાં માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે ધોલેરા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
--