ભેંસાણના માલીડા ગામના યુવાનનો પત્ની, સાસુ, સાળાના ત્રાસથી આપઘાત
દીકરીને મળવા જતા હુમલો કરતા હોવાના આક્ષેપ સાથેનો વીડિયો બનાવી પગલુ ભર્યુ
જૂનાગઢના ભેસાણ તાલુકાના માલીડા ગામના 35 વર્ષીય યુવક જયેશ હંસરાજભાઈ પંચાસરાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. યુવકે આપઘાત પહેલાં એક વીડિયો બનાવ્યો હતો જેમાં તેણે પત્ની અને સાસરીયાના ત્રાસનો ઉલ્લેખ કર્યો છે. પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે 3 લોકો વિરૂૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જોકે, હાલ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.આપઘાત પહેલાં બનાવેલા વીડિયોમાં જયેશે જણાવ્યું હતું કે, પહું છેલ્લા 4 વર્ષથી પત્ની, સાળા અને સાસુના ત્રાસથી હેરાન છું. તેઓ મને મારી દીકરીને મળવા દેતા નથી કે દીકરીને મારી પાસે મોકલતા પણ નથી. જ્યારે મારી દીકરી મને ફોન કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેઓ તેને ફોન પણ કરવા દેતા નથી. હું જ્યારે પણ મારી દીકરીને મળવા જાઉં છું, ત્યારે આ લોકો મને મારવા દોડે છે. આ ત્રાસથી કંટાળીને આજે હું આત્મહત્યા કરી રહ્યો છું.
આ સમગ્ર મામલે મૃતકના ભાઈ દીપક પંચાસરાએ ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે મૃતકની પત્ની શીલુબેન શંભુભાઈ જરવરીયા, સાળો નરેશ શંભુભાઈ જરવરીયા અને સાસુ કંચનબેન શંભુભાઈ જરવરીયા વિરૂૂદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, આ તમામ આરોપીઓ જયેશ પંચાસરાને વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા જેનાથી કંટાળીને યુવકે આત્મહત્યાનું પગલું ભર્યું છે. ભેસાણ પોલીસે હાલ સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂૂ કરી છે.