ગણેશનગરના યુવાન સાથે શેરબજારમાંં સારા વળતરની લાલચ આપી 16.67 લાખની ઠગાઇ
ઇન્સ્ટાગ્રામ પર આવેલી શેરબજારની ટીપ્સ જોયા બાદ યુવાન ફસાયો: ઠગાઇની રકમ જમા થઇ તે ત્રણ ખાતા ધારકો સામે પણ ગુનો નોંધાયો
શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી, બનાવટી એપ ડાઉનલોડ કરાવી તેમાં ઊંચો નફો બતાવી આચરાયેલા છેતરપિંડીના કારસ્તાનમાં રાજકોટના યુવાને રૂૂા. 16.67 લાખ ગુમાવ્યા હતાં. જે અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જે ત્રણ બેન્ક ખાતાઓમાં છેતરપિંડીની રકમ જમા થઈ હતી તેના ધારકોને પોલીસે આરોપી બનાવ્યા છે.
વધુ વિગતો મુજબ,મોરબી રોડ પર ગણેશનગરમાં રહેતા અને નોકરી કરતાં રણજીતભાઈ રૂૂડાભાઈ સોલંકી (ઉ.વ.43) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઇ તા. 23 એપ્રિલના રોજ તેણે ઇન્સ્ટાગ્રામમાં શેરબજારની ટીપ્સ મેળવી સારું રિટર્ન મેળવો તેવી એડ જોઈ હતી. જેમાં ક્લીક કરતાં એક વોટ્સએપ નંબર આવ્યો હતો. તે વખતે સામાવાળાએ પોતાની શારોન ત્રિવેદી તરીકે ઓળખ આપી શેરબજાર વિશે સમજાવ્યું હતું.જેથી તેના વિશ્વાસમાં આવી જતાં તેણે મોકલેલી લીંકના આધારે પ્લે સ્ટોર ઉપરથી એક એપ ડાઉનલોડ કરી હતી.
જેમાં પોતાનું એકાઉન્ટ બનાવી પાનકાર્ડની ડીટેઈલ નાખી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યાર પછી સામાવાળાએ તેને એક સ્ટોકમાં રોકાણ કરવાનું કહેતા રૂૂા. 4 લાખનું રોકાણ કર્યું હતું. ધીરે-ધીરે સામાવાળાના વિશ્વાસમાં આવી કુલ રૂૂા. 16.17 લાખનું રોકાણ કર્યું હતું.જેની સામે તેને સામાવાળાએ ડાઉનલોડ કરાવેલી એપમાં રૂૂા. 41.15 લાખનો નફો બતાવાતો હતો. જેથી તેણે આ રકમ ઉપાડી લેવાની વાત કરતાં સામાવાળાએ તેને બેન્ક સાથે સેટલમેન્ટના નામે રૂૂા. 4 લાખ જમા કરાવવાનું કહ્યું હતું. પરંતુ તેને ગંધ આવી જતાં આ રકમ ભરવાનો ઇન્કાર કર્યો હતો. એટલું જ નહીં સાયબર ક્રાઈમના હેલ્પલાઈન નંબર ઉપર ફરિયાદ કરી હતી.
જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.આ પ્રકારના કારસ્તાન આચરનાર ગેંગ જવલ્લે જ પકડાય છે. તેની બદલે આ ગેંગ દ્વારા જે બેન્ક ખાતા ભાડે લઇ તેમાં ઠગાઈની રકમ જમા કરાવાય છે તેના ધારકો જ મોટાભાગે પકડાય છે. આ કિસ્સામાં પણ જે ત્રણ બેન્ક ખાતામાં ઠગાઈની રકમ જમા થઈ હતી તેના ધારકોને આરોપી બનાવી સાયબર ક્રાઈમ પોલીસના પીઆઇ એમ.એ.ઝણકાટ અને સ્ટાફે તપાસ આગળ ધપાવી છે.