મહુવાના દયાળ ગામનાં યુવાનનું અપહરણ કરી ગોંધી રાખી માર માર્યો
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દયાળ ગામમાં રહેતા યુવાનનો ભાઈ યુવતીને ભગાડી ગયાની દાઝ રાખી પાંચ શખ્સ બળજબરી પૂર્વક બાઇકમાં ઉઠાવી જઈ નીચા કોટડા ગામમાં આવેલ ઘરમાં પૂરી દઈ લાકડી તેમજ માર મારતા યુવાને દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દયાળ ગામમાં રહેતા અને પાનમસાલા તેમજ કરિયાણાની દુકાન ચલાવતા યુવાન સવજીભાઈ મગનભાઈ બારૈયાના ભાઈ કાર્તિકભાઈને નીચા કોટડા ગામમાં રહેતા વિશાલ ચંદુભાઈ ભીલની બહેન હેતલ સાથે પ્રેમ સંબંધ હોય આગલા દિવસે બંને ભાગી જતા તે બાબતને લઈને ગઈ કાલે સવજીભાઈ તેમની દુકાને હતા ત્યારે મહેશ ( રહે. તલ્લી ),વિજય વીરાભાઇ બારૈયા,સુરેશ મેઘાભાઈ બારૈયા,અજય બારૈયા ( રહે.ત્રણેય કાળસાર,તા.મહુવા ) અને વિશાલ ચંદુભાઈ ભીલ ( રહે.નીચા કોટડા ) બે બાઈક અને એકટીવા સ્કૂટરમાં આવ્યા હતા અને સવજીભાઈને લાકડીનો ઘા ઝીંકી બળજબરી પૂર્વક બાઇકમાં બેસાડી નીચા કોટડા ગામમાં આવેલ વિશાલ ભીલના ઘરે લઈ જઈ રૂૂમમાં પૂરી દીધો હતો અને લાકડી તેમજ ઢીંકાપાટુનો માર માર્યો હતો.દરમિયાન સવજીભાઈના મામાના દીકરા અજયભાઈ દાનાભાઈ ચૌહાણ ત્યાં દોડી આવ્યા હતા અને કાર્તિક અને હેતલને ગોતી આપવાનું કહીને સવજીભાઈને છોડાવી ગયા હતા.આ બનાવ અંગે સવજીભાઈ બારૈયાએ પાંચ શખ્સ વિરુદ્ધ દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.