કુવાડવામાં દારૂના નશામાં યુવાનને શ્રમિકે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા
રાજકોટ નજીક આવેલા કુવાડવા જીઆઈડીસીના કંપનીમાં કામ કરતાં બે શ્રમિકોએ સાથે દારૂ પીધા બાદ મસ્કરીમાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં બે શ્રમિકોએ વચ્ચે પડી બન્નેને છુટાપાડયા હતાં. જે ઝઘડાનો ખાર રાખી એક નશેડી શ્રમિકે યુવકને મધરાત્રે રૂમ બહાર બોલાવી રૂમ પાર્ટનરને રૂમમાં પુરી દઈ યુવાન પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટના કુવાડવા જીઆઈડીસીમાં આવેલ બ્રાઈન ઈન્ટરનેશનલ કંપનીમાં કામ કરતો વિશાલકુમાર જયનારાયણ ભારતી નામનો 24 વર્ષનો યુવાન મધરાત્રે બ્રાઈન ઈન્ટરનેશનલ કંપની પાસે હતો ત્યારે સહ કર્મચારી અવધેશે ઝઘડો કરી તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે કુવાડવા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં વિશાલકુમાર ભારતી મુળ બિહારનો વતની છે અને ત્રણ ભાઈ એક બહેનમાં નાનો છે. વિશાલ ભારતી અને હુમલાખોર અવધેશ બન્ને બ્રાઈન ઈન્ટરનેશનલ કંપનીમાં સાથે કામ કરે છે અને કારખાનાની ઓરડીમાં જ રહે છે.
ગઈકાલે વિશાલકુમાર ભારતી અને અવધેશે સાથે દારૂ પીધા બાદ મશ્કરીમાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી અન્ય શ્રમિક નિતિશકુમાર સહિતનાએ બન્નેને છુટા પાડયા હતાં. રાત્રીના બધા સુઈ ગયા બાદ અવધેશે રૂમ પાર્ટનર નિતિશકુમારને રૂમમાં પુરી દરવાજે ૅતાળુ મારી દીધું હતું અને વિશાલકુમાર ભારતીને બહાર બોલાવી તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતાં. આ અંગે નિતિશકુમારે કારખાનાના માલીકને જાણ કરતાં કારખાનાના માલિક સહિતનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્ત યુવકને સારવારમાં ખસેડયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
