મેંદરડા પાસે કારમાં લિફટ આપી વૃધ્ધાના ગળામાંથી ચેઇન લૂંટી લેનાર મહિલા સહિતની ટોળકી રાજકોટમાંથી ઝડપાઇ
ટોળકી પાસેથી સોનાના ચેઇન સહિત 10 લાખનો મુદ્દામાલ કબજે, જૂનાગઢ પોલીસને જાણ કરાઇ
જૂનાગઢ જિલ્લામાં રાહદારીઓને કારમાં લીફટ આપવાના બહાને બેસાડી તેની નજર ચૂકવી ગળામાંથી દાગીના ચોરી લેતી મહિલા સહિત ચાર શખ્સોને એ-ડીવીઝન પોલીસે રાજકોટમાંથી ઝડપી લઈ કાર અને સોનાનો ચેઇન મળી રૂૂા. 10.75 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
ધરપકડ કરાયેલામાં અલ્પેશ કિશોરભાઈ સોલંકી (ઉ.વ. 25, રહે. વાવેરા રોડ, રાજુલા), જ્યોતિ સુરેશભાઈ પંડિત (ઉ.વ. 28, અમદાવાદ), સુનિલ વિનુભાઈ સોલંકી (ઉ.વ.27, રહે. મોટા ઉજળા ગામ, તા. કુંકાવાવ) અને ગૌતમ ગોરધનભાઈ ચૂડાસમા (ઉ.વ. 18, રહે. જૂનાગઢ, મુળ વીજપડી, તા. અમરેલી)નો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે જૂનાગઢના પાદરીયા ગામે રહેતા જમનાબેન કળથીયા (ઉ.વ.80) ત્રણેક દિવસ પહેલા બગડુથી કાર કે જેમાં ડ્રાઇવર ઉપરાંત બે મહિલા, બે પુરુષ અને બાળકો બેસેલા હતા તેમાં પાદરીયા ગામ જવા રવાના થયા હતા.
આ સમયે આરોપીઓએ તેની નજર ચૂકવી રૂૂા. 20 હજારનો સોનાનો ચેઈન ચોરી લીધો હતો. જે અંગે જુનાગઢ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. બીજી તરફ એ-ડીવીઝન પોલીસના સ્ટાફે કારમાં બેસેલા શખ્સો ચોરાઉ સોનાનો ચેઇન વેચવા નીકળનાર હોવાની બાતમીના આધારે આરોપીઓને પકડી તપાસ કરતાં તેની પાસેથી સોનાનો ચેઈન મળી આવ્યો હતો. જે અંગે પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો આથી પોલીસે કડક પૂછપરછ કરતાં આરોપીઓએ આ ચેઇન બગડુ ગામ પાસે ચોરી કર્યાની કબૂલાત આપી હતી.આરોપી અલ્પેશ અગાઉ બનાસકાંઠા, ભાવનગર, સુરત, રાજુલા, જામનગરમાં ચોરી અને માદક પદાર્થ સહિત સાત ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.હાલ આરોપીઓને શોધવા જૂનાગઢ પોલીસને સોંપવા તજવીજ શરૂૂ કરી છે.
આ કામગીરી એ ડીવીઝનના પીઆઇ બી.વી.બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ એસ.એમ. રાણા, એ.એસ.આઇ બી.વી. ગોહિલ, એમ.એસ. મકવાણા, કરણભાઇ વીરસોડીયા, કલ્પેશભાઈ બોરીચા, સાગરભાઈ માવદીયા, મહેશભાઈ ચાવડા, ધારાભાઇ ગઢવી, કનુભાઇ બસીયા, ધર્મેશભાઇ ખાંડેખા અને તેજસભાઇ ડેરએ કરી હતી.