જેતપુર હાઇવે ઉપર 222 બોટલ વિદેશી દારૂ ભરેલો ટ્રક પકડાયો
શહેરના રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે જેતપુરથી ધોરાજી તરફ જતા રસ્તે મયુર ફાર્મહાઉસ પાસેથી પસાર થતા ટ્રકને અટકાવી રાજકોટ ગ્રામ્ય એલસીબીના સ્ટાફે તપાસ કરતા ટ્રકમાંથી દારૂ-બીયરનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે પોલીસે 10.67 લાખનો મુદ્દમાલ જપ્ત ર્ક્યો છે. તેમજ બે શખ્સોની ધરપકડ કરી અન્ય બેની શોધખોળ શરૂ કરી છે. મળતી વિગતો મુજબ, જેતપુર-ધોરાજી તરફ જતા રસ્તે આવેલા મયુર ફાર્મહાઉસ પાસેથી રાજકોટ ગ્રામ્ય એલસીબીના દિનેશભાઇ સુવા, રવિભાઇ બારડ અને હરેશભાઇ પરમાર સહિતના સ્ટાફે એક ટ્રકને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી 222 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. તેમજ 164 બીયર ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂ-બીયર સાથે જેતપુરના નવાગઢના સિંકદર ગની તરકવાડીયા અને ફિરોઝ ઉર્ફે ટમલો વલીભાઇ ઉઢેચાને ઝડપી લીધા હતા. તેમજ બન્નેની પૂછપરછમાં નવાગઢના ભાવેશ ઉર્ફે ભલા પટેલ અને ફિરોઝ યુસુફ ઘાંચીની શોધખોળ કરી રૂા.10.67 લાખનો મુદ્દામાલ જપ્ત ર્ક્યો હતો.