રેસકોર્સ રિંગ રોડ પર વોકિંગમાં નીકળેલા વેપારીના ચેનની ચિલઝડપ કરનાર ગઠિયો ઝડપાયો
રાજકોટ શહેરમા રેસકોર્સ રીંગ રોડ પર વોકીંગ કરવા ગયા બાદ વેપારી કીશાનપરા ચોક પાસે ગાડી મુકી ઇન્કમટેકસ ઓફીસ નજીક પહોંચતા અજાણ્યા બાઇકનાં ચાલકે તેનાં ગળામા ઝોટ મારી સોનાનો ચેઇન આચકી લેતા ચેઇન તુટી ગયો હતો અને થોડો સોનાનો ચેઇન અને પેન્ડન્ટ લઇ બાઇક ચાલક ભાગી જતા તેમણે પ્રનગર પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી હતી . આ ઘટનામા પોલીસે નામચીન શખ્સ ને ઝડપી લઇ ચેઇન કબજે લેવા તજવીજ શરુ કરી છે.
વધુ વિગતો મુજબ શહેરનાં રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે સોમનાથ સોસાયટી શેરી નં 1 મા આવેલા મોલ્ટાબેલા નામનાં એપાર્ટમેન્ટમા રહેતા પુનીતભાઇ દીપકભાઇ ગણાત્રા એ પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ ભકિત નગર સ્ટેશન પ્લોટ શેરી નં 7 મા ચીરાગ ટ્રેડ લીન્ક નામની ઓફીસ ધરાવે છે અને ગઇ તા. 29 નાં રોજ સવારનાં સમયે પોતાનુ સ્કુટર રેસકોર્સ રીંગ રોડ પર આવેલા કીશાનપરા ચોક નજીક પાર્ક કરી વોકીંગ માટે નીકળ્યા હતા અને ત્યારબાદ તેઓ વોકીંગ કરી ઇન્કમ ટેકસ ઓફીસ સુધી પહોચતા ઇન્કમ ટેકસ ઓફીસ પાસે અજાણ્યા બાઇકનાં ચાલકે ગળામાથી સોનાનાં ચેનની ઝોટ મારી ભાગી ગયો હતો . આ સમયે ચેઇન તુટી ગયો હતો અને આ મામલે પ્રનગર પોલીસ મથકમા ફરીયાદ નોંધાવતા પોલીસ મથકનાં પીઆઇ વસાવા, તોફીકભાઇ જુણાચ અને તોફીકભાઇ મંધરા તેમજ ચાંપરાજભાઇ ખવડ સહીતનાં સ્ટાફે આરોપી મેહુલ ઉર્ફે ભુરી મામો ધનજીભાઇ જેઠવા (રહે . મવડી પ્લોટ નવલનગર 9 નાં છેડે કૈલાશ નગર શેરી નં ર ) ને ઝડપી લીધો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી વિરુધ્ધ અગાઉ 30 ગુના નોંધાઇ ચુકયા છે અને આરોપી પાસાની હવા પણ ખાઇ આવ્યો છે.