પેપર આપીને જતી છાત્રાને બાઇક પર ઘરે લઇ જઇ અડપલા કરી બટકા ભર્યા
રાજકોટ શહેરમા શાળા અને કોલેજોની આસપાસ આટાફેરા કરતા લુખ્ખા તત્વો સામે પોલીસ દ્વારા કુણુ વલણ દાખવવામા આવે છે. જેના કારણે શાળા અને કોલેજોમા અભ્યાસ કરતી યુવતીઓ અને સગીરાઓને આવા લુખ્ખા તત્વો દ્વારા હેરાનગતી કરવામા આવતી હોય છે અને આ યુવતીઓ દ્વારા કોર્ટ કચેરીના ચકકરમા પડવા માગતી ન હોય જેથી ફરીયાદ કરતા પણ અચકાય છે. ત્યારે આવી જ એક ઘટના રાજકોટ શહેરમા ઘટી છે.
મળતી માહિતી અનુસાર ભગવતીપરા વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરાના પિતાએ એ ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં ભગવતીપરા વિસ્તારના જયપ્રકાશનગરમાં રહેતા રાહુલ નામના શખ્સનું નામ આપતાં પોલીસે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેમની 14 વર્ષીય સગીર પુત્રી હોસ્પિટલ ચોક નજીક આવેલી શાળામાં ધોરણ-9 માં અભ્યાસ કરે છે. ગઈકાલે પુત્રી રાબેતા મુજબ દરરોજ લેવા-મુકવા જતી રીક્ષા મારફતે શાળાએ જવા માટે નીકળી હતી. સગીરાને હાલ પરીક્ષા ચાલતી હોય તેણે પરીક્ષાનું પેપર વહેલું પૂર્ણ કરી લીધું હોય તેણી શાળામાંથી વહેલા બહાર નીકળી ગઈ હતી.
દરમિયાન રાહુલ નામનો શખ્સ શાળાની બહાર જ આટાફેરા કરતો હોય તે શખ્સ અગાઉથી જ સગીરાના પરિચયમાં હતો. આટો મારવા જવાનાં બહાને સગીરાને બાઈકમાં બેસાડી પોતાના જય પ્રકાશનગર સ્થિત મકાને લઇ ગયો હતો. જ્યાં આરોપીએ સગીરાના શરીરે હાથ ફેરવ્યો હતો. જેનો સગીરાએ ઇન્કાર પણ કર્યો હતો તેમ છતાં રાહુલે શારીરિક અડપલાં ચાલુ રાખ્યાં હતાં અને સગીરાના શરીરના ભાગે બચકા ભરી લીધા હતા.
આ તરફ સ્કૂલનો સમય પૂરો થયાં બાદ તેડવાં આવેલ રીક્ષાચાલકે અમુક સમય સુધી રાહ જોયા બાદ પણ સગીરા શાળાની બહાર નહિ આવતા તેણે માતાને આ બાબતે જાણ કરી હતી. જેથી પરિજનો શાળા ખાતે દોડી આવ્યા હતા અને સગીરાની ભાળ મેળવવા પ્રયત્નો શરૂૂ કર્યા હતા. ત્યારે ભોગ બનનારી પેપર વહેલું પૂર્ણ કરી શાળામાંથી બહાર નીકળી ગયાનું જાણવા મળ્યું હતું. દરમિયાન માતા શાળાના ગેટ ખાતે હાજર હતી તે જ સમયે રાહુલ બાઈક પર સગીરાને ઉતારી નાસી ગયો હતો. જે બાદ માતાએ પુત્રીને આ બાબતે પુછાણ કરતા સગીરાએ તમામ હકીકત જણાવી હતી. જે બાદ સગીરાના પિતા એ.ડિવિઝન પોલીસ મથકે દોડી ગયા હતા અને ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.