આટકોટના સાણથલીના ખેડૂતને વ્યાજખોરોનો ત્રાસ, ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો
વ્યાજે લીધેલા 2.40 લાખની રકમ વ્યાજ સહિત ચુકવી દીધા છતાં ધમકી આપતા હતા
આટકોટના સાણથલી ગામે રહેતા ખેડુતને આર્થિક પરિસ્થિતિ નબળી પડતા ત્રણ વ્યાજખોરો પાસેથી લીધેલ રૂા. 2.40 લાખની રકમ વ્યાજ ચુકવી દીધા છતાં વધુ રકમ પડાવવા માટે આ ત્રણ વ્યાજખોરોએ અવાર નવાર ધમકી આપતા આ મામલે પોલીસમાં ત્રણેય વિરુદુધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.
મળતી વિગતો મુજબ સાણથલીના હાર્દિક મનસુખભાઈ રૂપારેલિયાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સાણથલીના રવિરાજ વિરકુ બસિયા, જયરાજ ગીડા અને યુવરાજ વાળાનું નામ આપ્યું છે. હાર્દિકભાઈ ખેતીકામ કરતા હોય આર્થિક પરિસ્થિતિ નબળી પડતા રૂપિયાની જરૂરિયાત પડતા રવિરાજ પાસેથી રોજનું 600 રૂપિયા લેખે 60 હજાર વ્યાજે લીધા હતાં. જેના બે લાખ ચુકવી દીધા હોય જ્યારે જયરાજ ગીડા પાસેથી 5 ટકા વ્યાજે રૂા. 1.50 લાખ લીધા હતા જેના રૂપિયા 60 હજાર ચુકવી દીધા હતાં તેમજ યુવરાજ વાળા પાસેથી રોજના 300 રૂપિયા લેખે 30 હજાર લીધા હોય જેને રકમ ચુકવવાની બાકી છે આ વ્યાજખોરોએ પઠાણી વ્યાજની ઉઘરાણી કરી હાર્દિકભાઈના ટાંટિયા ભાંગી નાખવા તેમજ તેનું વાહન પડાવી લેવા અવાર નવાર ધમકી આપતા હાર્દિકભાઈએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.