શેરબજારમાં રોકાણના બહાને રાજકોટના પ્રૌઢ સાથે 49.80 લાખની ઠગાઇ
વોટ્સએપ ગ્રુપમાં એડ થયા બાદ કયાં શેર કયારે ખરીદવા, કયારે વેંચવાના? તે માહિતી અપાતી હતી
આજકાલ સાયબર ફ્રોડનાં અનેક કિસ્સાઓ પ્રકાશમા આવી રહયા છે. અલગ અલગ પ્રકારની છેતરપીંડીમા ખાતામાથી ઉપડી ગયેલા પૈસા પાછા મેળવવા મુશ્કેલ બની છે. પરંતુ આની સામે થોડી સક્રીયતા મદદ કરી શકે છે. ત્યારે રાજકોટની નાના મવા રોડ પર સુવર્ણ ભુમી એપાર્ટમેન્ટમા રહેતા અને મેટોડા જીઆઇડીસીમા આવેલી કંપનીમા માર્કેટીંગ ડીપાર્ટમેન્ટમા કામ કરતા પ્રૌઢ સાથે શેરબજારમા રોકાણ કરી ઉચુ વળતર મેળવવાની લાલચ આપી ગઠીયાએ વોટસઅપ લીંક મોકલી પ્રૌઢ સાથે 49.80 લાખની ઠગાઇ કર્યાની ફરીયાદ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ મથકમા નોંધવામા આવતા પીઆઇ બી. બી. જાડેજા સહીતનાં સ્ટાફે આઇપી એડ્રેસ અને બેંક ખાતાની માહીતી મેળવી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
વધુ વિગતો મુજબ નાના મવા રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલા સુવર્ણભુમી એપાર્ટમેન્ટમા રહેતા રાજીવભાઇ પ્રમોદકુમાર મિશ્રા (ઉ.વ. પ6) નામનાં પ્રૌઢે નોંધાવેલી ફરીયાદમા બેંક ઓફ મહારાષ્ટ્ર, આઇ ડી એફસી ફર્સ્ટ બેંક, અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા એમ ત્રણેય બેંકનાં ખાતા ધારકો સામે ફરીયાદ નોંધાવી છે જેમા તેઓએ જણાવ્યુ હતુ કે તેઓ રાજકોટ શહેર કાલાવડ રોડ પર મેટોડા જીઆઇડીસીમા આવેલી શીલપ્ન સ્ટીલ કાસ્ટ કંપનીમા 2017 ની સાલથી માર્કેટીંગ ડીપાર્ટમેન્ટમા નોકરી કરે છે તેમને ત્રણેક મહીના પહેલા વોટસએપ નંબર પર અજાણી વ્યકિતએ એકસીસ સીકયુરીટી ગ્રુપ 6 નામે વોટસઅપ ગ્રુપમા એડ કર્યા હતા જે ગ્રુપમા શેર માર્કેટમા ટ્રેડીંગ બાબતે તેમજ બ્લોક ચેન તેમજ આઇપીઓ વગેરેમા ટ્રેડીગ બાબતની માહીતી શેર કરવામા આવતી હતી . બે - ત્રણ અઠવાડીયા માહીતી જોતા ગ્રુપ મેમ્બરો એ પ્રોફીટ કર્યાની માહીતી શેર કરતા એક અજાણ્યા વોટસએપ નંબરમાથી રાજીવ ભાઇને કોલ આવ્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે જેમા આધાર કાર્ડ માગતા તેઓએ આધાર કાર્ડ મોકલ્યુ હતુ.
ત્યારબાદ સામેવાળા આરોપીએ તેમને એકાઉન્ટ બનાવી આપ્યુ અને તેમા શેર માર્કેટમા ઇન્વેસ્ટ કરવાનુ કહી ટ્રેડીગ કરવા જણાવ્યુ હતુ . અને એ ગઠીયાઓ દ્વારા બેંક ખાતાની માહીતી આપવામા આવતા તેમા આરટીજીએસ દ્વારા પૈસા જમા કરાવ્યા હતા . તેમજ રોકાણ બાદ પ્રોફીટનાં નાણા ટ્રાન્ઝેકશનની રકમ મુજબ લીન્કમા બનાવેલા એકાઉન્ટમા જમા થઇ જતા હતા . તેમજ વોટસઅપ કોલ તથા મેસેજમા કયા શેર ખરીદવા અને કયા શેર વેચવા તે માટે એક કોડ આપવામા આવ્યો હતો જે કોડને આધારે એપ્લાય કરીને શેરની ખરીદી કરી શકાતી હતી તેમજ આ વ્યકિતએ પોતાનુ નામ મેઘલ શાહ હોવાનુ જણાવ્યુ હતુ. ફરીયાદી રાજીવભાઇએ જુન 2025 નાં મહીનામા અલગ અલગ સાતેક ટ્રાન્ઝેકશન કરી કુલ રૂ. 49.80 લાખ 3 બેંક ખાતામા જમા કરાવ્યા હતા . અને આ નાણા બનાવેલા એકાઉન્ટ માથી પરત મેળવવા વિડ્રો રીકવેસ્ટ મોકલતા એક અજાણ્યા વોટસઅપમા મેસેજ મારફતે પ્રોફેશનલ ફી ભરવાનુ જણાવતા ફ્રોડ હોવાની શંકા ગઇ હતી. અને આ બાબતે તુરંત સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર 1930 પર કોલ કરી નાણા ટ્રાન્ઝેકશનનાં સ્ક્રીન સોટ અને મોબાઇલ નંબર તેમજ ખાતા ધારકોનાં નંબર મોકલી ફરીયાદ નોંધાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સાયબર ગઠીયાઓ ફ્રોડ કરવા માટે લોકોને ઇન્સ્ટાગ્રામ મારફતે ઘરે બેઠા પૈસા કમાવોની લાલચ આપી, શેર બજારમા ઉચા વળતરની લાલચ આપી અને ટાસ્ક પુરા કરવાની લાલચ આપી લોકોને છેતરી રહયા છે . તેમજ આ ગઠીયાઓની જાળમા મોટાભાગે શિક્ષીત લોકો જ છેતરપીંડીનો ભોગ બની રહયા છે સાયબર સેલ પોલીસ દ્વારા લોકોમા જાગૃતતા આવે માટે શાળા અને કોલેજમા સેમીનારો કરવામા આવી રહયા છે આમ છતા દીવસે ને દીવસે લોકો વધુ નાણા મેળવવાની લાલચમા પોતાની મહેનતનાં નાણા ગુમાવતા હોવાનાં બનાવો સામે આવે છે.