રાજકોટના કારખાનેદારને સસ્તામાં લોખંડના વાયર આપવાની લાલચે 18 લાખની છેતરપિંડી
રાજકોટના કાલાવડ રોડ ઉપર ડેકોરા વેસ્ટ હિલ એપાર્ટમેન્ટમાં રહેતા અને શાપરમાં કારખાનું ધરાવતા કારખાનેદારને સસ્તામાં લોખંડના વાયર આપવાની લાલચે શાપરના શખ્સે રૂા. 18 લાખની છેતરપીંડી કરતા આ અંગે શાપર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ રાજકોટના ડેકોરા વેસ્ટ હિલ એપાર્ટમેન્ટમાં રહેતા અને શાપરમાં અંકુર ઈન્ડસ્ટ્રીઝમાં જયદીપ ટ્રેડર્સ નામનું કારખાનું ચલાવતા જયદીપ સુરેન્દ્રભાઈ ગઢિયાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે શાપરમાં સાવન એન્ટરપ્રાઈઝ નામે પેઢી ચલાવતા વિપુલ પટેલનું નામ આપ્યું છે. ફરિયાદમાં જયદીપભાઈએ પોલીસને જણાવ્યું કે, તે કારખાનામાં લોખંડનો વાયર બનાવી વેચાણ કરે છે.
જેના માટે તેમને એમએસના લોખંડના વાયરની જરૂરિયાત હોય તે અલગ અલગ પેઢી પાસેથી આ વાયર ખરીદી કરતા હોય ગત તા. 26/10ના રોજ સાવન એન્ટરપ્રાઈઝના વિપુલ પટેલે તેમને ફોન કરી પોતે વાયરનો વ્યવસાય કરતો હોય અને જરૂરિયાત હોય તો કહેજો તેવું જણાવ્યું હતું. વિપુલે એક કિલોના વાયરના 57 રૂપિયાનો ભાવ આપ્યો હતો.
જો કે, વાયરના હાલની બજારની કિંમત રૂા. 60 હોય જેથી ત્રણ રૂપિયા કિલોએ સસ્તાભાવે વાયર ખરીદવાની લાલચે જયદીપભાઈએ તા. 28 ના રોજ વિપુલભાઈને ફોન કરી 28 હજાર કિલો વાયરનો ઓડર આપ્યો હતો જેનું એડવાન્સ પેમેન્ટ રૂા. 18.93 લાખ તેમણે ચુકવવા માટે વાત કરી હતી. પરંતુ જયદીપભાઈએ માલ આવે ત્યારે પેમેન્ટ આપવાની વાત કરી હતી.
પરંતુ વિપુલે માલ નહીં મોકલતા અંતે તા. 26/11/2024ના રોજ જયદીપભાઈએ 28 લાખ એકાઉન્ટમાંથી આરોપી વિપુલને પેમેન્ટ આપ્યું હતું.
છતાં પણ વિપુલે માલ નહીં મોકલી મોબાઈલ બંધ કરી દીધો હતો. જયદીપભાઈએ તપાસ કરતા રાજકોટમાં આવી કોઈ તેની ઓફિસ જ નહીં હોવાનું ખુલતા આ મામલે શાપર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.