ભાટિયા નજીક થારમાં લઈ જવાતો ચરસનો જથ્થો ઝડપાયો: 13.35 લાખનો મુદ્દામાલ કબજે
કલ્યાણપુરથી આશરે 20 કિલોમીટર દૂર ભાટિયા ચોકડી પાસેથી એસ.ઓ.જી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ એસ.ઓજી.ની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. કાનાભાઈ માડમ, અશોકભાઈ સવાણી અને ભીખાભાઈ ગાગીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ગત મોડી સાંજે પસાર થતી જી.જે. 37 એમ 7684 નંબરની થાર મોટરકારને અટકાવી, ચેકિંગ કરતા આ કારમાંથી ચરસનો જથ્થો મળી આવ્યો હતો.
આ પ્રકરણમાં પોલીસે રૂૂ. 1,25,250 ની કિંમતનો 501 ગ્રામ ચરસ તેમજ રૂૂ. 10,000 ની કિંમતનો મોબાઈલ ફોન અને રૂૂ. 12 લાખની કિંમતની થાર મોટરકાર સહિત કુલ રૂૂ. 13,35,250 નો મુદ્દામાલ કબજે કરી, દ્વારકા તાબેના વાંચ્છુ ગામના વેજા ઉર્ફે ભગત જેઠા ભોજાભાઈ ચાનપા (ઉ.વ. 33) ની અટકાયત કરી, તેની સામે એન.ડી.પી.એસ. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ કલ્યાણપુરના પી.આઈ. તુષાર પટેલ ચલાવી રહ્યા છે.
આ સમગ્ર કાર્યવાહી ઈન્ચાર્જ પી.આઈ. ગોહિલ સાથે પી.એસ.આઈ. કે.એમ. જાડેજા, અશોકભાઈ સવાણી, કાનાભાઈ માડમ, ભીખાભાઈ ગાગીયા, હરદેવસિંહ જાડેજા, ચિરાગસિંહ જાડેજા, નિતેશભાઈ, લખમણભાઈ અને સંજયભાઈ દ્વારા કરવામાં આવી હતી.