મુસાફરોને રિક્ષામાં બેસાડી નાણાં સેરવતો શખ્સ ઝડપાયો, એકની શોધખોળ
જામકંડોરણા પંથકનો યુવક રાજકોટ રહેતા તેના બહેનના ઘરે જઇ રહ્યો હતો ત્યારે જામનગર રોડ પર રિક્ષામાં તેનું રૂૂ.10 હજારની રોકડ ભરેલું પર્સ સેરવી લીધું હતું. જામકંડોરણાના ઇશ્વરિયા ગામે રહેતા પ્રકાશ સુરેશભાઇ ગોહેલે (ઉ.વ.36) ચોરીની ઘટના અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પ્રકાશ ગોહેલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના મોટાબહેન યોગીતાબેન રાજકોટના રેલનગરમાં રહે છે. બહેનને મળવા માટે ગત તા.30ના તે ઇશ્વરિયાથી રાજકોટ આવ્યો હતો જામનગર રોડ પર માધાપર ચોકડી બ્રિજ ઉતરતા એક રિક્ષામાં બેસી રેલનગર જવા નીકળ્યો હતો. રિક્ષામાં અગાઉથી જ કેટલાક પેસેન્જર બેઠા હતા. રિક્ષા જામનગર રોડ પર બજરંગવાડી ચોકીથી થોડે આગળ પહોંચી હતી ત્યારે ચાલકે રિક્ષા ઊભી રાખી હતી અને અન્ય મુસાફરોને ઉતારીને આવું છું તેમ કહી પ્રકાશ ગોહેલને નીચે ઉતારી દીધો હતો.
પ્રકાશે લાંબો સમય રાહ જોઇ હતી, પરંતુ રિક્ષા પરત નહીં આવતા તે તેના બહેનના ઘરે જતો રહ્યો હતો. બહેનના ઘરે જઇને તપાસ કરી તો તેના પેન્ટના ખિસ્સામાંથી પાકીટ ગાયબ હતું. પાકીટમાં રોકડા રૂૂ.10 હજાર અને આધારકાર્ડ-ચૂંટણીકાર્ડ સહિતના દસ્તાવેજો હતા. રિક્ષા ગેંગ ખેલ પાડી ગયાનું સ્પષ્ટ થતાં ફરિયાદ કરી હતી. પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબ તપાસ શરૂ કરી હતી.ત્યારે ગાંધીગ્રામ પોલીસના પીઆઇ બી.ટી.અકબરીની રાહબરીમાં રોહિતભાઈ કછોટ, મશરીભાઈ ભેટારિયા,પ્રદીપભાઈ ડાંગર, અમીનભાઈ ભલુર અને સ્ટાફે બાતમીને આધારે આયોધ્યા ચોક પાસેથી રીક્ષાના ચાલક સુનિલ રામ ધોળકિયા(રહે.વેલનાથ પરા સોસાયટી શેરી.03,ખોખડદળ નદી પાસે મૂળ.સાવરકુંડલા)ને ઝડપી રીક્ષા અને રોકડ 10 હજાર જપ્ત કરી છે.તેમજ સુનિલની પુછપરછમાં સંજય વાજા(રહે.માંડાડુંગર પાસે)નું નામ ખુલતા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.