હત્યા, મારામારી, દારૂ સહિત બે વખત પાસામાં ધકેલાયેલો નામચીન શખ્સ વધુ એકવાર પાસામાં ધકેલાયો
હત્યાનો પ્રયાસ, ફાયરિંગ, મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલા યુનિવર્સિટી રોડ પર શિવશક્તિ કોલોનીમાં રહેતા ઉમંગ ભુત સામે પોલીસ કમિશનરે પાસાનું વોરંટ ઇશ્યૂ કર્યું હતું. યુનિવર્સિટી પોલીસે વોરંટની બજવણી કરી આરોપીને સુરત જેલહવાલે કર્યો છે. જ્યારે પોલીસ પર હુમલા સહિતના 20 ગુનામાં સંડોવાયેલા થોરાળા વિસ્તારના શામજી ઉર્ફે સામા સામે પાસાનું વોરંટ ઇશ્યુ થતાં થોરાળા પોલીસે વોરંટની બજવણી કરી આરોપીને મહેસાણા જેલહવાલે કર્યો હતો.ત્યારે હવે ત્રીજા આરોપીને પોલીસે પાસા હેઠળ ભાવનગર જેલ હવાલે કર્યો છે.
વધુ વિગતો મુજબ,શહેરમાં ગુનાખોરીને અટકાવવા માટે અગાઉ એકથી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા શખસો વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન માલવીયા પોલીસ મથકના પીઆઇ જે.આર.દેસાઈ દ્વારા કુખ્યાત ગણાતા હિરેન ગોવિંદભાઈ પરમાર (રહે.આંબેડકરનગર શેરી.5, રામદેવપીરના મંદિર પાસે,150 ફૂટ રિંગ રોડ) વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનરને મોકલી હતી. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ આ દરખાસ્ત પર મંજૂરીની મહોર લગાવી આરોપી સામે પાસાનું વોરંટ ઇશ્યુ કર્યું હતું.
જેથી માલવીયાનગર પોલીસ મથકના પી.એસ.આઇ ડી.એસ.ગજેરા તથા ટીમે આરોપી હિરેન પરમારની પાસા હેઠળ અટકાયત કરી તેને ભાવનગર જેલહવાલે કર્યો હતો.હિરેન સામે દારૂૂ,હત્યાનો પ્રયાસ, હત્યા, મારામારી, હત્યા ધમકી સહિતની કલમ હેઠળ અગાઉ 12 ગુના નોંધાઈ ચુક્યા છે અને આરોપી અગાઉ બે વખત પાસામાં પણ જઇ આવ્યો છે.