રાજકોટ જેલમાંથી કોર્ટ મુદતે ગયેલા હત્યાનો આરોપી અને સિપાહી દારૂ પીધેલા પકડાયા
કચ્છ બાદ રાજકોટમાં કેદીઓને જેલ સ્ટાફ દ્વારા અપાતી સુવિધાનો ભાંડો ફૂટયો, બન્ને સામે ગુનો નોંધાયો
કચ્છની ગળપાદર જેલમાં કેદીઓને સુવિધા અપાતી હોવાનો ભાંડો ફુટયા બાદ કચ્છની જેલમાં બંધ કુખ્યાત આરોપી યુવરાજસિંહ જાડેજા સહિતના કેદીઓની જેલ બદલી કરવામાં આવી છે ત્યારે રાજકોટની જેલમાં બંધ હત્યાના આરોપીને જેલના સ્ટાફ દ્વારા સુવિધા અપાતી હોવાનો ભાંડો ફુટયો છે. રાજકોટ જેલમાંથી કોર્ટ મુદતે ગયેલા હત્યાના આરોપી અને જેલનો સિપાઈ દારૂ પીધેલી હાલતમાં પકડાયા છે. જેમાં બન્ને વિરૂધ્ધ જેલરે ફરિયાદ કરતાં ગુનો નોંધી પ્ર.નગર પોલીસે બન્નેની ધરપકડ કરી છે.
રાજકોટ મધ્યસ્થ જેલનાં ઈન્ચાર્જ જેલર ગ્રુપ-2 વી.કે.પારઘીએ નોંધાવેલી ફરિયાદમાં રાજકોટ જેલમાં હત્યાના ગુનામાં રહેલા કાચા કામના કેદી રાજકોટનાં થોરાળા વિસ્તારમાં સરસ્વતી શીશુ મંદિર પાસે રહેતા અવેશ અયુબ ઓડીયા (ઉ.27) અને રાજકોટ જેલમાં સિપાઈ તરીકે ફરજ બજાવતાં પોલીસ હેડ કવાર્ટર ખાતે રહેતા પરેશ મનસુખ વાઘેલા સામે ગુનો નોંધાતા બન્નેની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે પ્રાથમિક તપાસમાં અને પુછપરછમાં જાણવા મળતી માહિતી મુજબ, હત્યાના ગુનામાં જેલમાં રહેલો આરોપી અવેશ અયુબ ઓડીયાને રાજકોટના છઠ્ઠા એડીશનલ સેસન્સ કોર્ટમાં મુદત હોય તેને જેલના સિપાઈ પરેશ વાઘેલાના જાપ્તામાં કોર્ટ મુદતે લઈ જવામાં આવ્યો હતો અને સાંજે 4.45 કલાકે પરત આવતાં આરોપી અવેશ ઓડીયા અને પરેશ વાઘેલા બન્ને દારૂ પીધેલા મળી આવ્યા હતાં. જેથી આ બન્ને સામે ઈન્ચાર્જ જેલર વી.કે.પારઘીએ ફરિયાદ નોંધાવી છે. બન્નેની પ્ર.નગર પોલીસે ધરપકડ કરી છે.
અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે કોર્ટ મુદતે ગયેલા આરોપીએ કયાં દારૂ પીધો ? તેમજ પરેશ વાઘેલાએ પણ તેની સાથે મહેફીલ માણી હોય જેલમાંથી કોર્ટ મુદતે કે સારવારમાં હોસ્પિટલે લઈ જવાતા કેદીઓને જેલ સ્ટાફ દ્વારા અપાતી આ સુવિધાનો ભાંડો ફુટયો છે. તાજેતરમાં જ કચ્છની ગળપાદર જિલ્લા જેલમાં પોલીસ ચેકીંગમાં છ કેદીઓ દારૂ પીધેલા મળી આવ્યા હતાં અને તેની સાથે મોબાઈલ અને રોકડ પણ મળી આવી હોય ત્યારબાદ આ કેદીઓને અલગ અલગ જેલમાં બદલી કરવામાં આવી હોય રાજકોટ જેલના સ્ટાફ દ્વારા કેદીઓને અને આરોપીઓને અપાતી સુવિધાનો ભાંડો ફુટયો છે ત્યારે તપાસમાં અનેક જેલ સિપાઈઓ સુધી રેલો આવે તેવી શકયતા છે.