ચોટીલામાં પેટના દુ:ખાવાની સારવાર માટે ગયેલી સગીરાએ શિશુને જન્મ આપ્યો
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકાના એક ગામમાં રહેતા પરીવારની 16 વર્ષથી સગીર દિકરીને ગત તા. 29મી જુલાઈએ રાત્રે પેટમાં દુ:ખાવો થતા દવાખાને લઈ જવાઈ હતી. જેમાં સોનોગ્રાફી દરમિયાન તેણીના પેટમાં બાળક હોવાનું સામે આવ્યુ હતુ. જયારે થોડી વાર પછી સગીરાએ દીકરાને જન્મ આપ્યો હતો. આ બનાવમાં મહીદડના યુવાન સામે પોકસોની કલમો સાથે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ અંગે આરોપી યુવાન સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.બનાવ અંગેની વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં સગીરાઓ સાથે અણબનાવના કિસ્સા ચિંતાજનક રીતે સામે આવે છે.
ત્યારે ચોટીલા પંથકમાં સગીરા માતા બન્યાનો બનાવ ધ્યાને આવ્યો છે. મળતી માહીતી મુજબ ચોટીલા તાલુકા એક ગામમાં રહેતા પરીવારને 3 દિકરી અને 2 દિકરાઓ છે. જેમાં એક દિકરી 16 વર્ષની છે. તા. 29 જુલાઈના રોજ રાત્રે પરીવારજનો સુતા હતા. ત્યારે સગીરાએ અચાનક પેટમાં દુ:ખાવાની ફરિયાદ કરતા તેણે ચોટીલાની ખાનગી હોસ્પીટલમાં લઈ જવાઈ હતી. જયાં ડોકટરે દુ:ખાવાનું કારણ જાણવા સોનોગ્રાફી કરવી પડશે તેમ કહી રીફર કરી હતી. આથી પરીવારજનો સગીરાને કુવાડવાની હોસ્પીટલ લઈ ગયા હતા. જયાં સગીરાની સોનોગ્રાફી કરાતા તેણીના પેટમાં બાળક હોવાનું અને આ પીડા પ્રસવ પીડા હોવાનું તબીબોએ જણાવ્યુ હતુ. જેમાં થોડીવારમાં જ સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો. બાદમાં પરીવારજનોએ સગીરાને પુછપરછ કરતા એકાદ વર્ષ પહેલા તે મહીદડના વિશાલ કોળીના સંપર્કમાં આવી હતી. અને બન્ને મોબાઈલમાં વાત-ચીત કરતા હતા. 9-10 માસ પહેલા સીમવાડીમાં બન્ને મળ્યા હતા. અને વિશાલે કુકર્મ કર્યુ હોવાનું જણાવ્યુ હતુ. આથી સગીરાના પિતાએ વિશાલ કોળી સામે ચોટીલા પોલીસ મથકે પોકસોની કલમો સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.