પાટડી સ્ટેટના પૂર્વ રાજવી પરિવારની જમીન પર કબજો કરી આધેડે તબેલો બનાવી દીધો
પાટડી સ્ટેટના પૂર્વ રાજવી પરિવારની જમીન પર ગેરકાયદે કબજો કરવાના કેસમાં સ્થાનિક પોલીસે કાર્યવાહી શરૂૂ કરી છે. પાટડી સ્ટેટના યુવરાજ ગોપાલસિંહ રાજેન્દ્રસિંહ દેસાઈએ સ્થાનિક રહેવાસી ગીધાભાઈ મેરૂૂજી ઠાકોર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, આ જમીન પાટડી સ્ટેટના છેલ્લા રાજવી પ્રતાપસિંહજી નારણસિંહજી દેસાઈના સમયથી તેમના પરિવારની માલિકીની છે, જે હાલમાં 11 વારસદારોની સંયુક્ત માલિકીમાં છે. આ જમીન પર પહેલા રાજવી પરિવારનો પ્રાઇવેટ બગીચો હતો અને પછીથી ખેતી કરવામાં આવતી હતી.
બે વર્ષ પહેલા, આરોપી ગીધાભાઈ મેરૂૂજી ઠાકોરે, જેઓ આ જમીનની બાજુમાં રહે છે, તેમણે જમીન પર ગેરકાયદેસર રીતે પોતાના ઘોડા અને પશુધન માટે તબેલો બનાવ્યો. રાજવી પરિવાર દ્વારા વારંવાર જમીન ખાલી કરવાની વિનંતી કરવા છતાં, આરોપીએ ન માત્ર તબેલો ચાલુ રાખ્યો પરંતુ પતરાનું શેડ અને અન્ય ગેરકાયદે બાંધકામ પણ કર્યું હતું. પાટડી પોલીસે આ મામલે ગુનો નોંધી લીધો છે અને પીએસઆઇ એચ.જે.સોલંકીના નેતૃત્વમાં તપાસ શરૂૂ કરી છે.