ખાધા ખોરાકીના કેસમાં કોર્ટ મુદતમાંથી પરત ફરતી પરિણીતાને સાસુ-સસરાએ બેફામ માર માર્યો
પોરબંદર સાસરુ ધરાવતી પરિણીતા પાંચ વર્ષથી રિસામણે રામનાથપરામાં રહે છે
રામનાથપરામાં માવતરના ઘરે રિસામણે આવેલી પોરબંદરની પરિણીતા સાહિસ્તાનબેન ઈરફાનભાઇ સોરઠીયા(ઉ.29) ગઈકાલે કોર્ટમાં ખાધા ખોરાકીના કેસમાં મુદતે ગઈ હતી ત્યારે ત્યાંથી પરત ચાલીને આવતી હતી ત્યારે તેમના સસરા ફારૂૂકભાઈ સોરઠીયા અને સાસુ નજમાબેને અને એક અજાણ્યા શખ્સે ઝપાઝપી કરી ઢીકાપાટુનો મારમાર્યો હતો.આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
સાહિસ્તાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું છેલ્લા પાંચ વર્ષથી મારા માતા ઝરીનાબેન ની સાથે રહું છું અને મારા લગ્ન 2019 માં ઈરફાનભાઈ ફારૂૂકભાઈ સોરઠીયા(રહે મેમણવાર કાદરી રેસીડેન્સી ની સામે પોરબંદર)ખાતે થયેલ અને સંતાનમાં મારે એક દીકરો છે અને મેં 2020 માં રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં મારા પતિ તથા સાસરીયા વિરુદ્ધમાં મને શારીરિક માનસિક ત્રાસ આપતા હોય જે બાબતનો મેં કેસ કર્યો છે તેમજ ખાધા ખોરાકીનો કોર્ટમાં કેસ કર્યો છે.
મારે મારા સાસરીયા પક્ષ તરફથી ખાધા ખોરાકીના પૈસા લેવાના થતા હોય તે બાબતે મારા સાસરીયા પક્ષે નામદાર કોર્ટમાં અપીલ કરેલ હોય જેની મને નોટિસ મળતા હું મુદતે ગયેલ હતી અને મુદત પૂરી કર્યા બાદ બપોરના હું નવી કોર્ટ બિલ્ડીંગ થી બહાર નીકળી જામનગર રોડ તરફ ચાલીને જતી હતી તે અરસામાં પાણીના ટાંકાથી જ થોડે આગળ પહોંચતા સસરા ફારુકભાઈ સોરઠીયા અને સાસુ નજમાબેન તથા એક અજાણ્યો વ્યક્તિ એમ ત્રણેય મારી પાસે આવેલ અને મારા સાસુ સસરા એકદમ ઉશ્કેરાઈ જઈ તું અમને ખોટા હેરાન કરેસ એમ કહી ગાળો દેવા લાગેલ અને મારી સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા.
જેથી હું ત્યાંથી ચાલીને આગળ જવા જતાં આ મારા સસરા મને ઢીકાપાટુનો માર મારવા લાગેલ જે દરમિયાન મારા સાસુએ મને પકડી રાખી ફડાકા મારવા લાગેલ અને મારા સસરાએ મને માથામાં તથા પેટના ભાગે ઢીકા પાટુ મારવા લાગેલ અને તેની સાથેનો એક અજાણ્યો વ્યક્તિ પણ મને ગાળો દઈ પાટા વડે પેટમાં લાત મારેલ આ સમયે મારા ગળામાં પહેરેલ સોનાનો ચેન તૂટી ગયેલ જેથી મને બીક લાગતા મેં ભાઈને કોલ કરતા આ લોકો ભાગી ગયા હતા અને આરોપીઓ સામે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.