ઉપલેટાનો શખ્સ સટ્ટો રમતા પકડાયો, રાજકોટના બુકી સહિત ત્રણ શખ્સોના નામ ખુલ્યા
ઉપલેટામાં ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડી ક્રિકેટ સટ્ટાનું રેકેટ ઝડપી પાડ્યું હતું. આઈડી ઉપર ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે પુછપરછમાં રાજકોટના બુકી સહીત ત્રણના નામ ખુલ્યા હતાં. આ મામલે પોલીસે પટેલ શખ્સ પાસેથી કબ્જે કરેલ મોબાઈલમાંથી ક્રિકેટની આઈડી તેમજ અલગ અલગ 6 મોબાઈલ નંબર ઉપર તપાસ કેન્દ્રીત કરી છે.
મળતી વિગતો મુજબ ઉપલેટામાં સ્વામીનારાયણ મંદિરની બાજુમાં રિધ્ધિ-સિધ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા કિશોર ઉર્ફે સેટ્ટી લલીતભાઈ દેડકિયા ક્રિકેટનો સટ્ટો રમાડતો હોવાની બાતમીના આધારે એલસીબીના પીઆઈ વીવી ઓડેદરા અને તેમની ટીમે કિશોરને તેના ઘરેથી ઝડપી લીધો હતો. તેની પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો. જેમાં બીગબેઝ લીગ સીરીઝમાં રમાતી ટી-20 મેચ હોબાર્ડ હરિકેન અને સીડની સીક્સની મેચ વચ્ચે ગ્રાહકો પાસેથી સોદા કરેલું સાહિત્ય અને વિગતો મળી આવી હતી. કિશોરની પુછપરછમાં તે અલગ અલગ બુકીઓ પાસે કપાત કરાવતો હોવાનું ખુલ્યું હતું. જેમાં રાજકોટના દિવ્યેસ ઉપલેટાના કાનાભાઈ અને સુરતના જલારામનું નામ ખુલ્યું છે. આ ત્રણ બુકીના છ મોબાઈલ નંબર મળી આવ્યા હોય જેના ઉપર પોલીસે તપાસ કેન્દ્રીત કરી છે. પોલીસે કિશોર પાસેથી રૂા. 72000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જિલ્લા પોલીસવડા હિમકરસિંહની સુચનાથી એલસીબીના પીઆઈ વી.વી. ઓડેદરા, પીએસઆઈ એચ.સી. ગોહિલના સ્ટાફના કે.એમ. ચાવડા, પી.એમ. ટોટા, બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અનિલભાઈ, શક્તિસિંહ, અરવિંદસિંહ, કૌશીકભાઈ, દિવ્યેશભાઈ, નિલેશભાઈ, રાજુભાઈ શામળા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.