ભીસ્તીવાડનો શખ્સ ત્રણ સગીર પાસે બાળમજૂરી કરાવતો’તો
એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનીટ અને શ્રમ અધિકારીએ ગુનો નોંધી ત્રણેય બાળકોને મુકત કરાવ્યા
10 થી 13 વર્ષના ત્રણેય બાળકોને મહિને રૂા. 4000 થી 6000 મજૂરી પેટે આપતો હતો
દેશભરમા બાળમજુરી પર પ્રતિબંધ હોવા છતા ઘણા સ્થળો પર નાના ભુલકાઓ પાસે મજુરી કામ કરાવવામા આવે છે. પૈસા મેળવવાની લાલચમા બાળકોને પરપ્રાંતમાથી પણ લાવવામા આવતા હોય છે. ત્યારે આવી ગેરકાયદેસર પ્રવૃતી કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.
ત્યારે રાજકોટ શહેરમા રેસકોર્ષ રીંગ રોડ પર મમરી અને ધાણી વેચતા 10 થી 13 વર્ષના નાના ભુલકાઓ પાસે બાળ મજુરી કરાવતા ભીસ્તીવાડના શખ્સ સામે ચાઇલ્ડ લેબર પ્રોહીબીશન એન્ડ રેગ્યુલેશન એકટ 1986ની કલમ 3, 7 (4), 14 તેમજ જુવેનાઇલ જસ્ટીસ એકટની કલમ 79 મુજબ ગુનો નોંધી પ્રનગર પોલીસે તેમની અટકાયત કરી છે. વધુ વિગતો મુજબ રાજકોટ શહેર એન્ટી હયુમન ટ્રાફીકીંગ યુનિટના પીએસઆઇ એચ. એન. ગઢવી, બાદલભાઇ દવે, ધીરેનભાઇ ગઢવી, હેડ કોન્સ્ટેબલ મહંમદઆરીફ અંસારી, ભુમીકાબેન ઠાકર તેમજ શ્રમ અધિકારી અંકિત ચંદારાણા, ડો. ડી. બી. કાનાણી, લીગલ ઓફીસર અજયભાઇ મકવાણા તેમજ સામાજીક કાર્યકર જયદીપભાઇ ગઢવી સહીતના સ્ટાફ બાળ મજુરી અટકાવવા માટે શહેરમા આવેલા રેસકોર્સ રીંગ રોડ પર પેટ્રોલીંગ કરી રહયો હતો ત્યારે પોલીસ હેડ કવાર્ટરના મુખ્ય ગેટની સામે લારીમા ધાણી અને મમરીની વેચાણ કરતા 3 બાળ શ્રમીક જોવા મળ્યા હતા.
આ ત્રણેય બાળ શ્રમીકોની પુછપરછ કરતા ત્રણેયની ઉમર 10 થી 13 વર્ષની હતી અને તેઓ પરપ્રાંતના અને અહીંયા ભીસ્તીવાડમા રહેતા હતા તેમજ ત્રણેયની પુછપરછ કરતા તેઓ ભીસ્તીવાડના સ્લમ કવાર્ટર પાસે રહેતા મુળ ઉતરપ્રદેશના વતની રાજાબાબુ સુરેશકુમાર સરોજ (ઉ.વ. રર) ને ત્યા કામ કરતા હતા અને આ રાજા બાબુ લારીમા તેમને ધાણી અને મમરી ભરી રેસકોસ રીંગ રોડ પર વેચવાનુ કહેતા હતા.
આ ઘટના બાદ પોલીસ અને શ્રમ અધીકારીની ટીમ ભીસ્તીવાડમા રહેતા રાજાબાબુને ત્યા પહોંચી હતી અને તેમની પુછપરછ કરતા તેઓ આ ત્રણેય બાળ શ્રમીકને મજુરી કામ માટે ઉતરપ્રદેશથી લઇ આવ્યો છે અને છેલ્લા એક મહીનાથી તમામને કામે રાખ્યા હતા. તેમજ આ ત્રણેયને 4000 થી 6000 સુધીનુ મહીનાનુ મહેનતાણુ આપતા હતા. ત્યારબાદ આ ત્રણેય બાળકોને બાળ મજુરીમાથી મુકત કરાવી શ્રમ અધીકારી અંકિત ચંદારાણા એ રીપોર્ટ તૈયાર કરી અને ત્રણેય બાળકોને સ્પેશ્યલ હોમ ફોર બોયઝમા મોકલી દીધા હતા.
તેમજ ભીસ્તીવાડના રાજા બાબુ વિરૂધ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામા આવી હતી. આ મામલે પ્રનગર પોલીસ મથકના પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમા એએસઆઇ ક્રિશ્ર્નાબેન રાઠોડ તપાસ ચલાવી રહયા છે.