લાલપુર નજીક ખડખંભાળિયા ગામ પાસે એક બોલેરોમાંથી બાયોડીઝલના વેચાણનું મોટું કારસ્તાન પકડાયું
જામનગર જિલ્લાના લાલપુર નજીક ખડ ખંભાળિયા ગામ પાસેથી જાહેરમાં ગેરકાયદે રીતે પેટ્રોલિયમ પદાર્થ બાયોડીઝલ જેવા પ્રવાહી ના જથ્થાનું ખાનગીમાં વેચાણ કરવામાં માટે બોલેરો માં હેરાફેરી કરવામાં આવી રહી હોવાનું પોલીસ તંત્રને ધ્યાનમાં આવ્યું હતું, અને લાલપુરના આઇપીએસ અધિકારી પ્રતિભા, ઉપરાંત એલ.સી.બી. ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. લગારીયા અને તેઓની ટીમ દ્વારા ગઈકાલે રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો.
જે દરોડા દરમિયાન મૂળ સુરેન્દ્રનગર ના વતની અને હાલ રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા લાલાભાઇ ઉર્ફે હરેશ વશરામભાઈ સરસીયા નામના એક બોલેરો ચાલકની અટકાયત કરી લીધી હતી. તેના બોલેરો ના પાછળના ભાગે ટાંકી ફીટ કરવામાં આવી હતી, અને તેની અંદર અંદાજે 3000 લિટર જેટલો જ્વલનશીલ પ્રવાહી નો જથ્થો ભરવામાં આવેલો હતો, જેની અંદાજે કિંમત 2 લાખ 22 હજાર જેટલી થાય છે.
જે તમામ જથ્થા અંગે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો, અને તેનું ગેરકાયદે વેચાણ કરવાનું કારસ્તાન ચાલી રહ્યું હોવાનું ધ્યાનમાં આવતાં પોલીસ તંત્ર દ્વારા કુલ રૂૂપિયા 10 લાખ 22 હજારની કિંમત ના બોલેરો સહિતનો જથ્થો કબજે કરી લેવામાં આવ્યો છે. આ પ્રકરણમાં એલસીબીના પી.એસ.આઇ સી.એમ. કટેલીયા જાતે ફરિયાદી બન્યા છે, અને લાલપુર પોલીસ મથકમાં બોલેરો ચાલક લાલાભાઇ ભરવાડ સામે ભારતીય ન્યાય સંહિતા ની કલમ 280, 287, તેમજ આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ ધારા ની કલમ 3,7 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ઉપરાંત જામનગરના પુરવઠા વિભાગને પણ આ અંગેની જાણ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ભરવાડ શખ્સની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરવામાં આવી રહી છે, અને આટલો મોટો જથ્થો ક્યાંથી આયાત થયો છે, અને અન્ય કોઈ વ્યક્તિ તેમાં સંડોવાયેલી છે કે કેમ, તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
