વિવેકાનંદ સોસાયટીના રિક્ષાચાલક પાસેથી વ્યાજખોરે એકના 4 લાખ બળજબરીથી પડાવી લીધા
શહેરના કોઠારીયા રોડ પર આવેલી વિવેકાનંદ સોસાયટીમાં રહેતાં રીક્ષા ચાલક આધેડને વ્યાજખોરે ઘરમાં ઘુસી માર મારી વ્યાજે લીધેલા રૂપિયા એક લાખના બદલામાં ચાર લાખ બળજબરીથી પડાવી લેતાં આધેડે પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે.
વધુ વિગત મુજબ, વિવેકાનંદ સોસાયટીમાં રહેતા કિરણભાઈ કાંતિભાઈ ચૌહાણ નામના 46 વર્ષના આધેડે વ્યાજખોર વિનુભાઈ કાંબલીયા વિરૂધ્ધ વ્યાજખોરીનો ગુનો નોંધાવ્યો છે. કિરણભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રિક્ષા ચાલક છે અને તેઓને મોરબી રોડ પર જકાતનાકા પાસે ઈમીટેશનનું કારખાનું ચલાવતાં વિનોદભાઈ સાથે ઓળખાણ થઈ હતી જેથી ત્રણેક વર્ષ પહેલા તેમની પાસેથી રૂપિયા એક લાખ વ્યાજે લીધા હતાં. તેમને દર મહિને 10 હજાર વ્યાજનાં ચુકવવામાં આવતાં હતાં. આ વ્યાજના પૈસાની સામે વિનુભાઈએ સિકયોરિટી પેટે એસબીઆઈ બેંકના બે ચેક લીધા હતાં. વિનુભાઈ વ્યાજનો ધંધો કરતાં હોય જેથી અવારનવાર ઘરે આવતાં હતાં.
ગઈકાલે સાંજના સમયે વિનુભાઈ તેની કાર લઈ ઘરે આવ્યા હતાં અને તેમણે કહ્યું કે ‘તારે મને હજુ 2.65 લાખ આપવાના છે’ જેથી કિરણભાઈએ તેમને કહ્યું કે ‘મે તમારી પાસેથી માત્ર એક લાખ રૂપિયા લીધા હતાં, તેના દર મહિને 10 હજાર લેખે વ્યાજ આપુ છું.’ જેથી વિનુભાઈ ઉશ્કેરાઈ ગયા અને તેમણે કહ્યું કે તારા પાસે હાલમાં ઘરે કેટલા રૂપિયા પડ્યા છે. તેમ કહી ઘરમાંથી રૂા.ચાર લાખ જેવડી રોકડ તેમણે બળજબરીથી પડાવી લીધી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ ધક્કો મારતાં કિરણભાઈ નીચે પડી ગયા હતાં અને તેમને કપાળે ઈજા થતાં તેમના મિત્રએ તેઓને સિવિલ હોસ્પિટલે ખસેડયા હતાં. આ ઘટના અંગે ભક્તિનગર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવતાં એએસઆઈ હરસુરભાઈ ડાંગર તપાસ ચલાવી રહ્યાં છે.