ઉનાના ભાચા ગામે બે વર્ષના માસુમ બાળકને દીપડાએ ફાડી ખાતા હાહાકાર
ઉના પંથકમાં દીપડાએ વધુ એક બાળકને ફાડીખાતા હાહાકાર મચી જવા પામેલ છે. ભાચા ગામના પાદરમાં રહેતા એક ગરીબ પરિવારના માસુમ પુત્રને ઝુંપડામાંથી ઉઠાવી જઇ દીપડાએ ફાડીખાદ્યાનો બનાવ બનતા લોકોમાં ફફડાટ ફેલાઇ જવા પામેલ છે.
આ બનાવની કરૂણતા એ છે કે, ગરીબ દંપતિને ત્યાં 20 વર્ષે જન્મેલા પુત્રને દીપડાએ ફાડીખાતા દંપતિ ઉપર આભ ફાટ્યું તેવી સ્થિતિ સર્જાયેલ છે. જાણવા મળતી વિગત મુજબ ઉના તાલુકાના ભાચા ગામના પાદરમાં ખોડિયાર ધાર પાસે ઝુંપડામાં રહેતા રાજવીર ઇસુબચાઇ નામના બે વર્ષના બાળકને ગતરાત્રે ઝુંપડામાંથી ઉઠાવી જઇ દીપડાએ ફાડી ખાધો હતો.
અચાનક ત્રાટકેલા દીપડાના કારણે ભારે દેકારો મચી જતા જાગીગયેલા બાળકના માતા-પિતા અને પડોશીઓએ પીછો કરતા દીપડો બાળકને મૂકી નાસી છૂટયો હતો પરંતુ ત્યા સુધીમાં બાળકનું મૃત્યુ નીપજ્યું હતુ ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા.
ગામ લોકોના કહેવા મુજબ નટ પરિવારને ત્યા 20 વર્ષ બાદ બે વર્ષ પહેલા પુત્ર રાજવીરનો જન્મ થયો હતો. બે પુત્રી બાદ વર્ષો પછી પુત્રનો જન્મ થતા પરિવારમાં ખુશીનો માહોલ હતો પરંતુ દીપડાએ આ ખુશી છીનવી લીધી હતી.
ભાચા ગામની બાજુમાં જ ખોડીયાર ધાર ઉપર નટ સમાજના 40 જેટલા પરિવારો છેલ્લા 20 વર્ષથી વસવાટ કરે છે. પરંતુ તેમને પાકા મકાન બનાવવાની મંજૂરી અપાતી નથી તેમજ લાઇટની પર સુવિધા ન હોવાથી જંગલી પ્રાણીઓનો સતત ભય રહે છે.