ભાયાવદર નજીક રાજકોટના સોની વેપારીએ 52 લાખની લૂંટનું તરકટ રચ્યું
ઉપલેટાની પરિવારની મિલકતમાં ભાઇઓએ ભાગ નહીં આપતા દેણું થઇ જતા ખોટી સ્ટોરી ઉભી કરી
ભાયાવદર નજીક બનેલી 52 લાખની લુંટની ઘટનામાં રાજકોટના સોની વેપારીએ દેણું થઇ જતા લુંટનું તરકટ રચ્યું હોવાનું ખુલ્યા બાદ ગ્રામ્ય એલસીબીએ આ લુંટનો ભેદ ઉકેલી નાખી રાજકોટના સાધુવાસવાણી રોડ ઉપર રહેતા સોની વેપારીની ધરપકડ કરી તેના ઘરેથી 52 લાખના દાગીના કબજે કર્યા છે.
બનાવની મળતી વિગતો મુજબ ગઇ તા.15/10/2025 ના રોજ ભાયાવદર પોલીસ સ્ટેશનના સાંજે 6 વાગે ઉપલેટા પોલીસે ત્યાંની હોસ્પિટલમાં દાખલ થયેલ રાજકોટના સોની વેપારી જયેશભાઇ રામજીભાઇ રાણીંગા પાસેથી 52 લાખના દાગીનાની લુંટ થયાની જાણ કરતા ગ્રામ્ય એલસીબી અને ઉપલેટા અને ભાયાવદર પોલીસ હોસ્પીટલે દોડી ગઈ હતી. જયેશભાઈએ પોલીસને જણાવ્યું કે, તે પોતાનું મોટર સાયકલ લઇને ખાખીજાળીયા ગામ તરફ આવતા હોય અને ડાળમા દાદાના મંદીર પાસે ખાખી જાળીયાર રોડ ઉપર બેહોશ થઇ જતા 108 માં પ્રથમ સરકારી હોસ્પિટલ ઉપલેટા બાદ સમર્પણ હોસ્પિટલ ઉપલેટામાં સારવાર અર્થે દાખલ હોય અને તેની પાસે રહેલા થેલામાંથી 453 ગ્રામ જેટલુ સોનુ ગાયબ થયેલ છે.
રાજકોટ ગ્રામ્યના એલ.સી.બી.ના પોલીસ ઈન્સ્પેક્ટર વી.વી.ઓડેદરા તથા ભાયાવદર ના પી.આઈ વી.સી.પરમારે અલગ અલગ ટીમો બનાવી બનાવના સ્થળ નજીકના, બનાવ સમયના ઉપલેટા વિસ્તારના સીસીટીવી ફુટેજ ચેક કાર્ય હતા. તેમજ એકટીવા ચાલક જયેશભાઇ રાણીંગાનો ભૂતકાળ તેમજ ફોન કોલનો સમય વિગેરે ચેક કરતા ઉપરોક્ત બનાવ જયેશભાઇ રાણીંગાએ ઉપજાવી કાઢેલ હોવાનું પ્રથમ દ્રસ્ટ્રીએ જણાતા જયેશભાઇ રામજીભાઇ રાણીંગાની આગવી ઢબે પુછપરછ કરતા તે ભાંગી પડેલ અને લુંટનો બનાવ ઉપજાવી કાઢ્યો હોવાનું જણાવ્યું હતું.
જયેશભાઈના ઉપલેટામા તેઓના ભાઈઓ સાથે સંયુક્ત મીલકત આવેલ હોય અને અવાર નવાર કહેવા છતા તેઓની મીલકતનો ભાગ પાડેલ નહી અને તેને દેવુ થઇ ગયેલ હોય જેથી જેથી પોતે રાજકોટ સોની પાસેથી દાગીના લઇ પ્રથમ ઉપલેટા પોતાના ઘરે તમામ દાગીના સંતાડી દીધેલ અને ઘરેથી પોતાના થેલામાં ઘરેણાના ખાલી ડબ્બા ભરી પોતાના ભાઇનું એકટીવા લઇ ભાયાવદર જવા નિકળેલ અને ખાખીજાળીયા ગામ નજાક રોડ ઉપર એકટીવા ઉભ રાખી થેલાની ચેઇન ખલ્લી રાખી થેલો એકટીવા પર રાખી તેની બાજુમાં પોતે બેભાન થઇ પડી ગયા હોવાનો ડોળ કરેલો.
જેથી રસ્તે જતા કોઇ માણસો ભેગા થઈ ગયેલા અને 108 માં ફોન કરી તેમને દવાખાને લાવેલા અને તમામ ઘરેણા હાલ તેના ઉપલેટા ખાતે આવેલ ઘરે જ હોવાની હકીકત જણાવતા રાજકોટ જે સોની પાસેથી ઘરેણા લાવેલ તે હીમાંશુભાઇ અરવીંદભાઇ પાલા પણ આવી ગયેલ હોય તેઓની હાજરીમાં જયેશભાઇનુ ઘર ચેક કરતા તમામ ઘરેણા મળી આવેલ અને પોલીસને ગુમરાહ કરવાના ઇરાદાથી અને સોનાના મૂળ માલીકને નુકશાન અને હેરાન કરવાના ઇરાદાથી પોલીસને ખોટી માહીતી આપેલ હોય રાજકોટ કુંજન વિહાર-9 સોસાયટી, પાટીદાર ચોક, સાધુવાસવાણી રોડ ઉપર રહેતા જયેશભાઈ રામજીભાઈ રાણીંગા (ઉ.વ.62)ની ધરપકડ કરી હતી.
રેંજ આઈજી અશોક કુમાર યાદવ,જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર, ડીવાયએસપી કે. જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પી.આઈ વી.વી. ઓડેદરા,ભાયાવદરના પી.આઈ વી.સી. પરમાર,ઉપલેટાના પી.આઈ બી.આર. પટેલ સાથે એલ.સી.બી.ના પીએસઆઈ આર.વી. ભીમાણી સાથે એલ.સી.બી, ભાયાવદર અને ઉપલેટા પોલીસ સ્ટાફે કામગીરી કરી હતી.