જીવરાજ પાર્ક નજીક વોકિંગમાં નીકળેલા પ્રોફેસરના માતાના ગળામાંથી એક લાખના સોનાના ચેઇનની ચીલઝડપ
રાજકોટ શહેરમા મવડી હેડ કવાર્ટર નજીક પખવાડીયામા બીજી ચીલઝડપની ઘટના સામે આવી છે. ગઇકાલે રાત્રીનાં સમયે વોકીંગમા નીકળેલા પ્રોફેસરનાં માતાનાં ગળામાથી રૂ. 1 લાખનો દોઢ તોલાનો સોનાનો ચેઇન ડબલ સવારી બાઇકમા આવેલા બે શખ્સો ચીલઝડપ કરી ભાગી ગયાની ઘટના સામે આવી છે. ત્યારે આ બનાવમા તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીઓની ઓળખ મેળવવા તજવીજ શરુ કરી છે.
વધુ વિગતો મુજબ જીવરાજ પાર્ક પાસે કસ્તુરી રેસીન્ડસીમા રહેતા જયોત્સનાબેન મહેન્દ્રભાઇ પટેલ (ઉ.વ. 63) નામનાં વૃધ્ધા એ પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ હાલ નિવૃત જીવન જીવી રહયા છે અને તેમનો પુત્ર બી. કે. મોદી ફાર્મસી કોલેજમા પ્રોફેસર છે અને તેમનાં પુત્રવધુ પ્રાદેશીક ખોરાક પ્રયોગશાળામા નોકરી કરે છે. ગઇ તા 27 નાં રોજ રાત્રીનાં સમયે પોણા નવેક વાગ્યે સોસાયટીની બહાર મુખ્ય માર્ગ પર વોકીંગમા નીકળ્યા હતા આ સમયે જીવરાજપાર્કનાં ગેઇટથી પરત પોતાનાં ઘરે જતા હતા આ સમયે તુલસી લાઇવ બેકરીથી થોડે આગળ ડબલ સવારી બાઇકમા આવેલા બે શખ્સોએ જયોત્સનાબેને ગળામા પહેરેલો દોઢ તોલાનો સોનાનો ચેઇન ઝુટવી ફરાર થઇ ગયા હતા. આ સમયે એપાર્ટમેન્ટમા રહેતા રાકેશભાઇ જયોત્સનાબેનનાં ઘરે જતા તેઓએ કહયુ હતુ કે તેમણે ડબલ સવારી બાઇકવાળાને જોયા હતા. ત્યારબાદ પુત્ર જયદીપને વાત કરી અને પોલીસમા ફરીયાદ નોંધાવી હતી આ ઘટનામા રાજકોટ તાલુકા પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમોએ આરોપીઓની ઓળખ મેળવી તેમને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.