ભત્રીજા સાથે મૈત્રી કરાર પૂરા કર્યાનો ખાર રાખી યુવતી ઉપર ફૂઈ અને પિતરાઈ સહિતનાનો હુમલો
શહેરમાં ઘંટેશ્ર્વર વિસ્તારમાં આવેલા 25 વારીયામાં રહેતી યુવતીએ ભત્રીજા સાથે મૈત્રી કરાર પુરા કરી અન્ય યુવક સાથે વગર લગ્ને સાથે રહેવા ચાલી ગઈ હતી. જેનો ખાર રાખી માસી અને બે પિતરાઈ સહિતના શખ્સોએ ધોકા-પાઈપ વડે હુમલો કરી બન્ને હાથ અને પગમાં ફેકચર જેવી ઈજા પહોંચાડી હતી. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલ યુવતીને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ઘંટેશ્ર્વર 25 વારીયામાં રહેતી ખુશીબેન રોહિતભાઈ રિબડીયા (ઉ.31) બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે આવેલા દશામાં ના મંદિર પાસે હતી ત્યારે ગીતાબેન તેના પુત્ર રવિ અને રાહુલ સહિતના અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ધોકા પાઈપ વડે માર માર્યો હતો. યુવતીને બન્ને હાથ અને પગમાં ફેકચર આવતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પુછપરછમાં ખુશીબેનને અગાઉ અનિલ સાથે આંખ મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને બાદમાં બન્ને મૈત્રી કરારથી સાથે રહેતાં હતાં.
પરંતુ અનિલ મારકુટ કરતો હોવાથી ખુશીબેને તેની સાથે મૈત્રી કરાર ટૂંકાવી લીધા હતાં અને રોહિત રીબડીયા સાથે વગર લગ્ને સાથે રહેવા ચાલી ગઈ હતી. અનિલ સાથે મૈત્રી કરાર તોડી અન્ય યુવક સાથે ખુશીબેન રહેવા ચાલી ગયાનો ખાર રાખી અનિલના માસી ગીતાબેન અને બે પિતરાઈ સહિતના શખ્સોએ હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.