રાજકોટ-ગાંધીધામમાં રેલવે ટિકિટ ક્ધફર્મના બહાને ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ
મુસાફરોના મોબાઈલ, એટીએમ કાર્ડ તેમજ પાસવર્ડ મેળવી ટોળકી ઠગાઈ કરતી
રાજકોટ, જામનગર, કચ્છ અને ઉત્તરપ્રદેશમાં 10 ગુના આચર્યાની કબૂલાત
શહેરના રેલવે મથક સહિત રાજ્યના જુદા-જુદા રેલવે મથકે જઇ ટિકિટ ક્ધફર્મ કરાવી આપવાનું કહી લોકો પાસેથી એ.ટી.એમ., મોબાઇલ વગેરે પડાવી બારોબાર પૈસા કાઢી લેનાર ટોળકીને રેલવે પોલીસે પકડી પાડી હતી. આ ટોળકી પાસેથી 16 મોબાઇલ, છ એ.ટી.એમ., રોકડ રૂૂા. 1,43,000 જપ્ત કરાયા હતા.
ગાંધીધામ, રાજકોટ, જામનગરમાં રેલવે મથકે જઇ પોતાના વતન કે પ્રાંત બાજુ રેલવે મારફતે જનાર મુસાફરોને શોધી તેમને ટિકિટ ક્ધફર્મ કરાવવાનું કહી ટોળકી તેમને ટી.ટી.ની ઓળખ હોવાનું જણાવતી હતી અને શહેરમાં લઇ જઇ મુસાફરોના મોબાઇલ, એ.ટી.એમ. કાર્ડ તથા તેના પાસવર્ડ મેળવી હાલમાં ટિકિટ ક્ધફર્મ થઇ જશે તેવું કહીને આ ટોળકી નાસી જતી હતી અને બાદમાં પાસવર્ડ વડે એ.ટી.એમ.માંથી પૈસા બારોબાર ઉપાડી લેતા હતા. ગાંધીધામ રેલવે મથકે આવા બનાવો વધતાં ઇન્ચાર્જ અધિક પોલીસ મહાનિર્દેશક સી.આઇ.ડી. ક્રાઇમ એન્ડ રેલવેઝના પરીક્ષિતા રાઠોડે આવા બનાવો અટકાવવા તથા આરોપીઓને શોધી કાઢવા આદેશ આપ્યો હતો. દરમ્યાન, સ્થાનિક રેલવે પોલીસ દોડતી થઇ હતી અને સી.સી.ટી.વી.ના ફૂટેજ સહિતની તપાસ હાથ ધરી બિહારના રામપુકાર ગરભુ મહતો, સુરેન્દ્ર મહતો, વિવેક વૈદેહી મહતો તથા બ્રહ્મદેવકુમાર મહતો, દિલીપકુમાર મહતો અને રાજકુમાર મહતોને પકડી પાડયા હતા.
આ છ શખ્સની પૂછપરછ બાદ તેમની પાસેથી કુલ 16 મોબાઇલ, છ એ.ટી.એમ. કાર્ડ, એક સ્માર્ટ ઘડિયાળ, રોકડ રૂૂા. 1,43,000 કબજે કરવામાં આવ્યા હતા. આ શખ્સોએ ગાંધીધામમાં ચાર, રાજકોટમાં ત્રણ, જામનગરમાં બે અને ખાનપુર ઉત્તરપ્રદેશમાં એક એમ બે મહિનામાં 10 ગુનાને અંજામ આપ્યો હતો જે તમામનો ભેદ પોલીસે ઉકેલી લીધો હતો. પકડાયેલા આ શખ્સો સાથે અન્ય કોણ-કોણ છે તથા અન્ય કોઇ ગુના કર્યા છે કે કેમ તે સહિતની તપાસ માટે તેમને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે તેવું રેલવે પોલીસે જણાવ્યું હતું. આ કાર્યવાહીમાં પી.આઇ. પી. આર. સોલંકી, પી.એસ.આઇ. જે. બી. કુરેશી, આર.પી.એફ.ના ઓ. પી. કોહલી તથા રેલવે પોલીસનો સ્ટાફ જોડાયો હતો.