આજા ફસાજા, કાર વાળા વેપારીઓને હનીટ્રેપમાં ફસાવતી ટોળકી ઝડપાઇ
40થી 60 વર્ષના લોકો ઉપર કામણ પાથરી માનુમીઓ ફસાવે અને સાગરિતો ધોલધપાટ કરી બ્લેકમેઇલિંગ કરતા
જામકંડોરણાના આધેડને શિકાર બનાવતા ટોળકી સપડાઇ, બે લલના સહિત 7ની ધરપકડ, અન્ય બે વેપારીને પણ નિશાન બનાવ્યાનું ખુલ્યું
રાજકોટમાં વધુ એક હનીટ્રેપની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સોશિયલ મીડિયા પર વેપારીઓને ટાર્ગેટ કરતી એક હનીટ્રેપ ગેંગે જામકંડોરણા વિસ્તારના એક આધેડ વેપારીને પોતાની જાળમાં ફસાવ્યા હતા. એક મહિલા આરોપીએ ચેટિંગ કરીને વેપારીને મળવા બોલાવ્યા બાદ જામનગર નજીક અવાવરું જગ્યાએ લઈ ગઈ હતી, જ્યાં ગેંગના અન્ય સભ્યોએ મહિલાના સગાં તરીકે ઓળખ આપી વેપારી સાથે મારપીટ કરી અને દુષ્કર્મ કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી રૂૂ. 50 લાખની માંગણી કરી હતી.
જોકે આખરે રૂૂ. 6 લાખનું સેટલમેન્ટ કરીને આંગડિયા મારફત રકમ પડાવી લેવામાં આવી હતી. પોલીસે આ કેસમાં બે મહિલા સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની મોડેસ ઓપરેન્ડીમાં માત્ર ફોર-વ્હીલર લઈને આવતા 40થી 60 વર્ષના વેપારીઓને જ ટાર્ગેટ કરવામાં આવતા હતા. આ જ ટોળકીએ અન્ય બે વેપારીઓ સાથે પણ હનીટ્રેપ આચર્યું હોવાનું સામે આવ્યું છે, જેના અલગ ગુના નોંધવાની તજવીજ પોલીસે હાથ ધરી છે.
રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, રાજકોટના જામકંડોરણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા વેપારી સાથે હનીટ્રેપ થયા હોવાની જાણ થતા તેની ઓળખ ગુપ્ત રાખી ફરિયાદ નોંધી પોલીસે બે મહિલા સંહિત સાત આરોપીઓની ધરપકડ કરી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પકડાયેલા આરોપી પૈકી જાનવી પંચોલી સામે તાજેતરમાં થોડા સમય પૂર્વે જૂનાગઢના ભેંસાણ પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપ અંગે ફરિયાદ નોંધાઈ ચુકી છે, જ્યારે બાકીના આરોપી વિપુલ સુસરા સામે 3 ગુના, સવજી ઠુંગા અને વિશાલ પરમાર વિરુદ્ધ એક-એક ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી જુદા જુદા વેપારીઓનો સંપર્ક શોધી બાદમાં વેપારીને વ્હોટ્સએપ પર હાય, હેલો, અને હાઉ આર યુ જેવા મેસેજ કરી બાદમાં વાત શરૂૂ કરતા હતા. જેમાં સામે રિસ્પોન્સ મળે તો આગળ વાત કરી બાદમાં તેને જાળમાં ફસાવી મળવા માટે બોલાવતા હતા. તેમાં પણ જો કોઈ ટુ વ્હિલર લઈને આવે તો મળવાનું ટાળી દેતા હતા. કારણ કે તેમનો પ્લાન ફોર વ્હિલરમાં આગળ અવાવરું જગ્યાએ લઇ જવાનો રહેતો હતો.
ફોર વ્હિલર લઈને વેપારી આવે તો તેની સાથે અવાવરું જગ્યાએ મળવા પહોંચી બાદમાં ગેંગના બાકીના સભ્યો આવી મહિલાના ભાઈ, પિતા, પતિ, મામા સહિતની જુદી જુદી ઓળખ આપતા. જે બાદ વેપારી સાથે મારામારી કરી દુષ્કર્મ જેવા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા. જો કેસ ન કરવો હોય તો રૂૂપિયા આપવા પડશે કહી રૂૂપિયાની માંગણી કરી રૂૂપિયા પડાવી લેતા હતા. આરોપીઓ રૂૂપિયા મેળવ્યા બાદ 14 ભાગ પાડતા હતા અને રૂૂપિયાની ભાગબટાઈ કરતા હતા અને તમામ અલગ અલગ હિસ્સામાં રૂૂપિયા ઓલવી લેતા હતા.
પકડાયેલા આરોપીઓ દ્વારા અન્ય બે વેપારી સાથે આ રીતે હનીટ્રેપ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જે બંને વેપારી પોલીસના સંપર્કમાં છે. અન્ય કોઈ લોકો આ રીતે ભોગ બન્યા હોય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે જેની ઓળખ સંપૂર્ણ ગુપ્ત રાખવાની ખાતરી આપવામાં આવી છે. હાલ પોલીસે સાતેય આરોપીજે ઝડપી પડી તેની પાસેથી મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ 1.13 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ કે વકીલના પરિવારથી પકડાઇ જવાની બીકે દૂર જ રહેતા
ઉલ્લેખનીય છે કે, જો કોઈ જાણકાર લોકો એટલે કે પોલીસ અથવા તેના પરિજનો, વકીલ અથવા તેના પરિજનો, રાજનેતા કે તેના પરિજનો આ ટોળકીની જાળમાં ફસાય જાય તો તેને છોડી દેતા હતા તેની પાસે કોઈ રૂૂપિયાની માંગણી કરતા ન હતા કારણ કે તેનાથી પોતે પોલીસ પકડમાં આવી જશે તેવી બીક હતી, માટે આરોપીઓ મોટા ભાગે વેપારીઓ તેમજ આધેડ અને સિનિયર સિટિઝનને ટાર્ગેટ કરવાનું નક્કી કરતા હતા.