મોરબીના હરિપર કેરાળામાં બે લોકો ઉપર હુમલો કરી ટોળકીએ લૂંટ ચલાવી
મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામે દિનદહાડે થયેલી લૂંટની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. હરીપર કેરાળા ગામની સીમમાં આવેલ હરીભાઈ ચા વાળાની દુકાન પાસે બે વ્યક્તિને છ શખ્સોએ બેઝબોલના ધોકા વડે મારમારી સોનાના દાગીના રોકડની અને મોટરસાયકલની લુંટ ચલાવી હોવાની ફરીયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામની સીમમાં વેલેન્જા કારખાનામાં રહેતા અને મજુરી કરતા પ્રકાશભાઈ ઉર્ફે પકો રામુભાઇ (ઉ.વ.45) એ આરોપી છ અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા છ આરોપીઓ બે મોટરસાયકલ પર આવી ફરીયાદી ચા લેવા ગયેલ હતા ત્યારે ત્યા જઇ ફરીયાદીને ગાળો આપી બેજબોલ ધોકાઓ વડે ફરીયાદીને માર મારી અસંખ્ય ફ્રેકચર જેવી મહાવ્યથા પહોંચાડી ફરીયાદી પાસેથી રૂૂપીયા ત્રીસ હજારની લુંટ ચલાવી તથા બનાવ બાબતે કોઇને જાણ કરીશ તો પતાવી નાખીશ તેવી ધમકી આપી તથા સાથી વિશ્વરાજસિંહ જાડેજાને પણ માર મારી તેની પાસેથી રૂૂપીયા વીસ હજાર તથા સોનાની ચેન તથા મોટરસાયકલની લુંટ ચલાવી નાસી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.
બાલ્કનીમાંથી પટકાતા મોત
મોરબી શહેરમાં ઉમીયાનગર પાસે ત્રીજા માળે બાલ્કનીમા સુતા હોય ત્યારે કોઈ અગમ્ય કારણોસર નીચે પટકાતા યુવકનું મોત નિપજ્યું હતું. મોરબીના ઉમીયાનગરમા રહેતા સોનુભાઈ રામ સુરેશભાઈ બગનોલી (ઉ.વ.33) નામનો યુવક ત્રીજા માળે બાલ્કનીએ રાત્રીના સુતેલ હોય ત્યારે કોઈ અગમ્ય કારણોસર પડી જતા માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.