ફરિયાદ કરવા આવેલા ફર્નિચરના કોન્ટ્રાકટરનું પોલીસ સ્ટેશનમાં જ હાર્ટએટકેથી કરૂણ મોત
રાજકોટ શહેરમાં આવેલા પ્ર.નગર પોલીસ મથકમાં પૈસાની લેતી દેતી મામલે અરજી કરવા આવેલા 42 વર્ષીય મિસ્ત્રી યુવાનને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ બેભાન થઈ જતાં તેમનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.પોલીસ અને 108 ની ટીમે સીપીઆર દઈ યુવાનનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારબાદ તેમને તાબડતોબ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેમનો જીવ બચી ના શકતાં પોલીસે પણ શોક વ્યક્ત કર્યો હતો.
મળતી વિગત મુજબ, રેલનગરમાં આવેલ અવધપાર્કમાં રહેતાં મહેશભાઈ વલ્લભભાઈ દુધાત્રા (ઉ.વ.42) ગઈકાલે રાત્રીના દસ વાગ્યાની આસપાસ પ્ર.નગર પોલીસ મથકે હતાં.ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડતાં હાજર પોલીસના સ્ટાફે સીપીઆર આપ્યા હતા તેમજ ત્યાં કોઈએ 108ને જાણ કરતા તેમણે પણ સીપીઆર આપી કોશિશ કરી હતી.પરંતુ ત્યારબાદ તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતાં.જયાં ફરજ પરના તબીબોએ જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતાં.બનાવ અંગે પ્ર. નગર પોલીસના પીએસઆઈ જે.એમ.જાડેજા અને રાઇટર દ્વારા જરૂૂરી કાગળો કર્યા હતા.તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
બનાવ અંગે પીઆઈ ભાર્ગવસિંહ ઝણકાટે જણાવ્યું હતું કે,મહેશભાઇ દુધાત્રાને ફર્નિચર કામના એક કારીગરે પૈસા મામલે ઘરે આવી માથાકુટ કરી હોઇ તે કારણે અરજી કરી હતી.તેનો જવાબ લખાવવા તેઓ અન્ય એક કારીગર સાથે પોલીસ સ્ટેશને આવ્યા ત્યારે વાતચીત કરતા હતા ત્યારે તેઓ અચાનક ઢળી પડ્યા હતા જોકે તે સમયે સમય સુચકતાને ધ્યાને રાખી સીપીઆર આપ્યા હતા પરંતુ તેમનો જીવ બચી શક્યો નહોતો.મહેશભાઈ રેલનગરમાં ખોડિયાર ફર્નિચર નામની દુકાન ધરાવતા હતા.ઘરના મોભીના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.