ભાણવડ ફાટકેથી પોકસોના ગુનાનો ફરાર આરોપી એક વર્ષ ઝડપાયો
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામવાડી ગામના મૂળ રહીશ અને હાલ પોરબંદરમાં સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા જામનગરના રમેશ ઉર્ફે રાજેશ ઉર્ફે મુન્નો ઉર્ફે સાગર નાનજીભાઈ ચાવડા નામના 42 વર્ષના શખ્સ સામે અગાઉ થોડા સમય પૂરે મોરબીના સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં દુષ્કર્મ તથા પોક્સો એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે ગુના સંદર્ભે આરોપીને કેદની સજા ફટકારવામાં આવી હતી.
જેથી તેને રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. આ શખ્સએ ગત તારીખ 21 જૂન 2024 પૂર્વે સાત દિવસની પેરોલ રજામાંથી પરત આવવાના બદલે નાસી છૂટ્યો હતો અને પોતાના અલગ અલગ નામ ધારણ કરી અને જુદા જુદા સ્થળોએ રહેતો હતો. ઉપરોક્ત આરોપી સાગર નાનજીભાઈ ચાવડા ભાણવડ વિસ્તારમાં આવ્યો હોવાની ચોક્કસ માહિતી પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ભાણવડ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ જાડેજા, વેજાણંદભાઈ બેરા તથા અજયભાઈ ભરવાડીયાને મળતા ઉપરોક્ત શખ્સને રીક્ષામાં બેસીને ભાણવડ તરફ આવતા રેલવે ફાટક પાસેથી રિક્ષામાંથી ઝડપી લેવાયો હતો.
ત્યાર બાદ તેને રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરવામાં આવી હતી. આરોપી શખ્સ પાસે રહેલા રીક્ષા અંગેના કોઈ ડોક્યુમેન્ટસ ન હોય, તેથી આ અંગે એમ.વી. એક્ટની કલમ હેઠળ રીક્ષા પણ ડિટેઇન કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી અહીંના ડીવાયએસપી વી.પી. માનસેતાના વડપણ હેઠળ ભાણવડના પી.આઈ. કે.બી. રાજવી તથા પી.એસ.આઈ. પી.જે. ખાંટ ના માર્ગદર્શન હેઠળ ભાણવડ પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી.