કલ્યાણપુરના લાંબા ગામમાં ઘોડા બાબતે બે જૂથ વચ્ચે ખેલાયું ધિંગાણું
માર માર્યાની બન્ને પક્ષના ચાર-ચાર સામે પોલીસમાં ફરિયાદ
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા પરબતભાઈ લાખાભાઈ ગોજીયા નામના 40 વર્ષના આહિર યુવાનનું ઘોડું આ જ વિસ્તારમાં રહેતા નિલેશ જેઠા બાબરીયાએ પકડી રાખ્યું હતું. આ ઘોડું તે પરત આપતો ન હોવાથી તેને સમજાવવા જતા અહીં રહેલા આરોપીઓ નિલેશ જેઠા, સંજય બાબુ બાબરીયા, અજય બાબુ બાબરીયા અને વિજય બાબુ બાબરીયા નામના ચાર શખ્સોએ એક સંપ કરીને ફરિયાદી પરબતભાઈ ગોજીયા ઉપરાંત તેમની સાથે સાહેદ દિવ્યેશ પરબતભાઈ અને દિવ્યેશના મિત્ર પાર્થને લાકડી વડે બેફામ માર મારી, ઈજાઓ કર્યાની અને તેમજ બિભત્સ ગાળો કાઢી, ટાંટિયા તોડી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
જ્યારે સામા પક્ષે સંજયભાઈ પાલાભાઈ બાબરીયાએ દિવ્યેશ પરબતભાઈ ગોજીયા, પરબતભાઈ ગોજીયા અને પાર્થ બાવાજી તથા અન્ય એક અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ સાહેદ નિલેશભાઈ બાબરીયા ફરિયાદી સંજયભાઈના મકાન સામે ઉભા હતા. તે દરમિયાન આરોપી દિવ્યેશએ તેમના ઉપર ઘોડો નાખતા નીલેશે ઘોડો જોઈને ચલાવવાનું કહ્યું હતું. જેથી આરોપીએ તેઓ સાથે ઝઘડો કરી અને આ પ્રકરણમાં આરોપીઓ દ્વારા ફરિયાદી સંજયભાઈ તેમજ નિલેશભાઈ જેઠાભાઈ બાબરીયા અને રમીલાબેન નિલેશભાઈ બાબરીયાને લાકડી વડે બેફામ માર મારી, તેઓને ગાળો કાઢી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી, જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ પ્રકરણમાં પોલીસે તમામ આરોપીઓ સામે એટ્રોસિટી તેમજ બી.એન.એસ. અને જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ આગળની તપાસ ડીવાયએસપી દ્વારા હાથ ધરવામાં કરવામાં આવી છે.