વિસાવદરમાં પિતૃકાર્ય કરીને પરત ફરેલા પરિવાર વચ્ચે બઘડાટી : ત્રણ યુવકને ઈજા
પ્રાંચી પાટણમાં દૂર ઉભા રહેવાનું કહેતા થયેલી બોલાચાલીનો ગામમાં આવી ખાર ઉતાર્યો
વિસાવદરના ખોડાસર ગામે રહેતો પરિવાર પ્રાચી પાટણ ખાતે પિતૃ કાર્ય કરવા માટે ગયો હતો. જ્યાં થયેલી બોલાચાલીનો ખાર રાખી ગામમાં પરત ફર્યા બાદ યુવાન અને તેના બનેવી ઉપર પિતરાય ભાઈ અને કાકા સહિતના શખ્સોએ હુમલો કર્યો હતો જ્યારે વળતા પ્રહારમાં પિતરાઇ ઉપર ભાઈ અને બનેવીએ હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે ત્રણેય યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વિસાવદરના ખોડાસર ગામે રહેતા રાહુલ જગાભાઈ મણદુરીયા (ઉ.વ.21) અને તેના બનેવી નટુ વેલસીભાઈ માથાસુરીયા (ઉ.વ.40) બે દિવસ પૂર્વે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતા ત્યારે રાહુલના કાકા ધીરુભાઈ અને તેના પિતરાઇ ભાઈ ભયલોએ ઝઘડો કરી કુહાડા વડે હુમલો કર્યો હતો જ્યારે વળતા પ્રહારમાં ભયલો ધીરુભાઈ મણદુરીયા (ઉં.વ.22) ઉપર જગા, રાહુલ અને હરેશે કુહાડી અને લાકડી વડે હુમલો કરી માર માર્યો હતો.
મારામારીમાં બંને પક્ષે ઘવાયેલા સાળા બનેવી સહિત ત્રણેયને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.પ્રાથમિક પૂછપરછમાં રાહુલ મણદુરીયાનો પરિવાર પ્રાચી પાટણ ખાતે પિતૃકાર્ય કરવા માટે ગયો હતો જ્યાં ભયલુને દૂર ઊભા રહેવાનું કહેતા ત્યાં બોલાચાલી થઈ હતી જે બોલાચાલી બાદ ખોડાસર ગામે પરત ફરતાની સાથે જ પરિવાર વચ્ચે મારામારી થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વિસાવદર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.