રૈયાધારે માતાજીના બોકડા મામલે બે પરિવાર વચ્ચે ધબધબાટી
શહેરનાં રૈયાધારે મફતીયાપરા 4 માળીયા કવાર્ટર નજીક માતાજીનાં બોકડા મામલે બે પરીવારો વચ્ચે ઝઘડો થયા બાદ સામ સામે ધોકા અને છરી વડે હુમલો થતામાતા અને પુત્ર સહીત 4 વ્યકિતને ઇજા થઇ હતી. જેથી ઘવાયેલા ચારેયને સરકારી હોસ્પીટલમા સારવાર માટે ખસેડાયા છે. આ મામલે સામ સામે ફરીયાદ નોંધવામા આવતા તમામને સકંજામા લેવા તજવીજ શરૂ કરી છે.
વધુ વિગતો મુજબ રૈયાધારે રહેતા અને બકાલાનો વેપાર કરતા ગીરીશભાઇ જેન્તીભાઇ દેત્રોજા (ઉ.વ. 43) એ પોતાની ફરીયાદમા ચંદ્રીકાબેન અશ્ર્વીનભાઇ દેત્રોજા અને તેનાં પુત્ર રવી અશ્ર્વીનભાઇ દેત્રોજા વિરુધ્ધ ફરીયાદ નોંધાવી છે. આ ફરીયાદમા ગીરીશભાઇએ જણાવ્યુ હતુ કે ગઇ તા 17 નાં રોજ બપોરનાં સમયે મોટા ભાઇ અશ્ર્વીનભાઇ અને પોતે ભેગા થયા હતા અને ગીરીશભાઇ પાસે 4 વર્ષથી માતાજીનો બોકડો હોય પોતે સાચવતો હોય જે બોકડો તેને રાખવાનુ કહેતા અશ્ર્વીનભાઇએ બોકડો રાખવાની ના પાડી દીધી હતી ત્યારબાદ રાત્રીનાં સમયે ગીરીશભાઇ પોતાનાં કામધંધેથી ઘરે આવ્યા ત્યારે અશ્ર્વીનભાઇનો દીકરો રવી અને તેમનાં પત્ની ચંદ્રીકાબેન ઘર પાસે આવી અને કહેવા લાગી હતી કે અમે આ માતાજીનો બોકડો રાખશુ નહી. તમે આને સાચવો તેવુ જણાવ્યુ હતુ. જેથી રવી અને ચંદ્રીકાબેન ઉશ્કેરાયા હતા અને ગીરીશભાઇનાં પત્ની રજુબેન અને તેમના દીકરો પ્રેમ પર હુમલો કર્યો હતો અને ગાળો આપી ધમકી આપવા લાગ્યા હતા. રજુબેનને માથાનાં ભાગી ધોકો વાગી જતા તેને ઇજા પહોંચી હતી અને માથાનાં ભાગે 6 ટાકા આવ્યા હતા.
જયારે સામાપક્ષે ચંદ્રીકાબેન અશ્ર્વીનભાઇ દેત્રોજા (ઉ.વ. 40) એ પોતાની ફરીયાદમા ગીરીશ જેન્તીભાઇ અને પ્રેમ ગીરીશભાઇ વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી. આ ઘટનામા ચંદ્રીકાબેને ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેમનાં પતિ રીક્ષા ડ્રાઇવીંગ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે ગઇકાલે દીયર ગીરીશભાઇએ ચંદ્રીકાબેનની દીકરીઓને બોકડા લઇ જવા બાબતે માથાકુટ કરી હતી અને આ સમયે ગીરીશભાઇ ઉશ્કેરાયા હતા તેમજ તેમનો પુત્ર પ્રેમ પણ ત્યા આવી પહોંચ્યો હતો અને કહેતો હતો કે અમે બોકડા ઘણા સમયથી સાચવીએ છીએ હવે તમે સાચવો અને ત્યારબાદ બોલાચાલી થયા બાદ પ્રેમે તેનાં ખીસ્સામાથી છરી કાઢી ચંદ્રીકાબેનને એક ઘા ઝીકી દીધો હતો. અને પિતા-પુત્રએ ધમકી આપી કે જો તમે બોકડો નહી સાચવો તો તમને જાનથી મારી નાખીશુ. આ મામલે સામ સામે ફરીયાદ નોંધવામા આવતા યુનિવર્સીટી પોલીસનાં પીએસઆઇ બી. એસ. ચૌહાણ સહીતનાં સ્ટાફે તપાસ શરૂ કરી છે.