જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશનેથી એક નકલી પોલીસને અસલી પોલીસે પકડ્યો
જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસેથી એક નકલી પોલીસ ને અસલી રેલવે પોલીસે ઝડપી લીધો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા વિસ્તારનો વતની એવો શખ્સ પોતાને રેલવેના પોલીસ કર્મચારીની ઓળખ આપીને રીક્ષા ચાલકો પાસે રોફ જમાવતાં અને મફત મુસાફરી કરાવવા ની માંગણી કરવા જતાં પકડી લેવામાં આવ્યો છે. જેની સામે રેલવે પોલીસે ગુનો નોંધ્યો છે.
જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશનના પોલીસ સ્ટાફના હરદેવસિંહ જાડેજા અને લાબુભાઇ ગઢવી વગેરે રેલવે સ્ટેશન અને તેના આસપાસના વિસ્તારમાં ચેકીંગની કાર્યવાહી કરી રહ્યા હતા, જે દરમ્યાન એક રિક્ષા ચાલક મારફતે બાતમી મળી હતી કે, એક વ્યક્તિ હું એસ.એમ.સી નો કોન્સ્ટેબલ છું અને બધા રિક્ષા ચાલકો પાસે રોફ જમાવતો મળી આવ્યો હતો.
તેથી રેલવે પોલીસ દ્વારા અજાણ્યા વ્યક્તિનું ઓળખ પત્ર માંગતા તેણે કહેલ મારૂૂં ઓળખ પત્ર ઘરે રહી ગયું છે. ત્યારબાદ એએસઆઇ શક્તિસિંહ વાઢેર દ્વારા તપાસ કરાતાં આ વ્યક્તિ નું નામ બુધા ઉર્ફે બ્રિજેશ સિયાભાઇ ચાસીયા (ઉંમર વર્ષ:31, અને દેવભૂમિ-દ્વારકા જિલ્લાના બાટીસા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.હકીકતમાં પોતે એસ. એમ. સી વિભાગમાં ફરજ બજાવતો ન હોવાનું જાણવા મળ્યું હતું, આથી બુધા ઉર્ફે બ્રિજેશ સિયાભાઇ ચાસીયા ની રેલવે પોલીસ દ્વારા અટકાયત કરી લઇ તેની સામે રેલવે પોલીસ મથકમાં બી.એન.એસ ની કલમ 204 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.