વેપારીનું 39.24 લાખના દાગીનાનું પાર્સલ દિલ્હીની પેઢી ચાઉં કરી ગઇ
રાજકોટમાં અમીન માર્ગ પર એસ્ટ્રોન સોસાયટીમાં રહેતા અને પેડક રોડ પર બાલક હનુમાન મંદિર પાસે બ્રહ્માણીયાપરામાં શિવ એન્ટરપ્રાઇઝ નામે 17 વર્ષથી સોના-ચાંદીના દાગીનાનો વેપાર કરનાર વેપારી મહેશ હરજીભાઇ ગોરસોંદીયા(ઉ.વ 47) દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે એપીએસ સીકયોર લોજીસ્ટીક કંપનીના દિલ્હી ઓફિસ ખાતેના બ્રાંચ મેનેજર અશોક ત્યાગી વિરૂૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં વેપારી મહેશભાઇએ જણાવ્યું હતું કે, આજથી પાંચ વર્ષ પૂર્વે ઉદય નામના વ્યકિતએ તેમની પેઢીએ આવ્યો હતો અને વાત કરી હતી કે,તે ઉદય કાર્ગો નામની સોના-ચાંદીના કુરીયર મોકલવાની પેઢી સંત કબીર રોડ પર ધરાવે છે.તમારે કુરીયર મોકલવું હોય તો કહેજો જેથી ફરિયાદીને આ શખસ સાથે પરીચય થતા તેણે તેના ઉદય કાર્ગોમાં ચારથી પાંચ વખત પાર્સલ બીહારના પટના તથા મુજફરપુર મોકલ્યા હતાં.
બાદમાં આ કંપની બંધ થઇ ગઇ હતી.ત્યાર બાદ આ શખસ અને તેની સાથે અશોક ત્યાગી દોઢેક વર્ષ પૂર્વે આવ્યો હતો અને વાત કરી હતી કે, મારી ઉદય કાર્ગો બંધ કરી દીધી છે અને હાલ હું એપીએસ સીકયોર લોજીસ્ટીક નામની કંપનીમાં જોડયેલ છું હું પટના ખાતેની બ્રાંચ સંભાળું છુ અને અહીંયા રાજકોટમાં રણછોડ નગરમાં આવેલી બ્રાંચ અશોક ત્યાગી સંભાળે છે અને કંપનીની દિલ્હી સ્થિત ઓફિસમાં બેસે છે તમારે પાર્સલ મોકલવા હોય તો કહેજો.કોઇ વાંધો નહીં આવે તેમ કહી કેટલાક રેફરન્સ પણ આપ્યા હતાં.બાદમાં ફરિયાદીએ વર્ષ 2024 માં મે મહિનામાં પાર્સલ મોકલ્યુ હતું જે સમયસર બીહાર પહોંચી ગયું હતું.ત્યારબાદ તા.12/7 ના પાર્સલ મોકલ્યું હતું તે મુજફરપુરમાં આવેલી મની અલંકાર નામની પેઢીમાં મોકલ્યું હતું.
તા.15/7 ના મની અલંકારમાં સંપર્ક કરતા માલુમ પડયું હતું કે, પાર્સલ મળ્યુ નથી.જેથી તેમણે ઓનલાઇન ટ્રેક કરતા પાર્સલ દિલ્હીથી પટના ખાતે આવવા માટે નીકળી ગયાનું માલુમ પડયું હતું.આ બાબતે ઉદય સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે તમારૂૂ પાર્સલ ગુમ થઇ ગયું છે જેની હું હાલ તપાસ કરૂૂ છું.બાદમાં અશોક ત્યાગીને આ બાબતે વાત કરતા તેણ યોગ્ય જવાબ આપ્યો ન હતો.આ અંગે પોલીસ ફરિયાદ કરવાનું કહેતા તેણે તેનો પણ સરખો જવાબ આપ્યો ન હતો અને કહ્યું હતું ક અમારી કંપનીના મેનેજીંગ ડિરેકટર સાથે વાત કરીને તમને જવાબ આપીશ. આવીશ ત્યારે લખાણ કરી આપીશ. આ વાતના ચાર પાંચ દિવસ બાદ અશોક અહીં આવ્યો ન હતો.જેથી ફરિયાદીએ તેને ફોન કરતા તે ફોન પણ ઉપાડતો ન હતો.
બાદમાં તેની રાજકોટ સ્થિત ઓફિસે જઇ તપાસ કરતા મકાન માલિકે જણાવ્યું હતું કે,એપીએસ સિકયોર લોજીસ્ટીકવાળા ચાર પાંચ દિવસ પૂર્વે જ ઓફિસ ખાલી કરી જતા રહ્યા છે.જેથી ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનો અહેસાસ થતા તેમણે સોના-ચાંદીના દાગીના વજન 665.620 ગ્રામ,18 કેરેટના દાગીના જેની કિંમત રૂૂ. 39,24,335 વાળુ પાર્સલ આ શખ્સોએ ઓળવી જઇ વિશ્ર્વાસઘાત કર્યો હોય આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામા આવતા પીએસઆઇ એ. બી. ચૌધરી સહીતના સ્ટાફે આરોપીને સકંજામા લેવા તજવીજ શરૂ કરી છે.