જૂનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલના તબીબો સામે ગુનો નોંધાયો
બે પ્રસુતાના મોત મામલે એક વર્ષ બાદ બેદરકારીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ : ધરપકડની તજવીજ
જૂનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલના 2 મહિલા તબીબ અને હોસ્પિટલના સંચાલકોએ ચાર પ્રસુતા મહિલાઓની સિઝેરિયન તથા સારવારમાં ગંભીર બેદરકારી દાખવતાં ચાર મહિલાઓની કિડની પર અસર પહોંચતા બે મહિલાઓના મોત નીપજ્યા હતાં જ્યારે અન્ય બે મહિલાઓ કિડનીની સારવાર લઈ રહી છે. જેથી મૃતક હિરલબેનના પતિઆકાશભાઈ મિયાત્રાએ મંગળવારની રાત્રે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હોસ્પિટલના ડો. ડાયના અજુડીયા તથા ડો. હેમાંક્ષી કોટડીયા અને હોસ્પિટલના સંચાલકો સહિતના સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જેની વધુ તપાસ પીઆઇ એચ. પી. ગઢવી ચલાવી રહ્યા છે.
સારવાર દરમિયાન હિરલબેન સતત પેટમાં દુ:ખાવાની ફરિયાદ કરતી હતી. પરંતુ તા. 1 જૂનના રોજ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. આઠ દિવસ બાદ પેટમાં દુ:ખાવો થતાં 8 જૂનના રોજ હેલ્થ પ્લસ કઈ સારવાર માટે લઈ જતા ડો. ડાયના અજુડીયાએ સિઝેરિયનના ટાંકામાં પાણી ભરાયેલ છે તેમ કહી દવા અને ટ્યુબ આપી હતી. 20 દિવસ બાદ ફરી પેટમાં દુ:ખાવાની ફરિયાદ કરતા હેલ્થ પ્લસ હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ નર્સિંગ સ્ટાફ હાજર હોઈ અને ડોક્ટર હાજર ન હોવાથી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.
પેટમાં દુ:ખાવા સાથે હિરલબેનને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા બાદ ત્યાં તેમની તબિયત લથડતાં ઝાંઝરડા ચોકડી પાસેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાંના તબીબ પાસેથી નરેન્દ્રભાઈ નટવરલાલ વાણિયાના પત્ની મોનિકાબેન તથા અલ્પેશભાઈ નટુભાઈ કાચાના પત્ની તૃપ્તિબેનનું હેલ્થ પ્લસ હોસ્પિટલમાં ડો. હેમાંક્ષી કોટડીયાએ સિઝેરિયન કરતા બંને કિડની ફેઇલ થઈ જતા સારવાર હેઠળ હોવાનું આકાશભાઈને જાણવા મળ્યું હતું.
હેલ્થ પ્લસ હોસ્પિટલના તબીબો અને સંચાલકોની ઘોર બેદરકારી સામે જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ ફરિયાદી બનીને બેદરકારીનો ભોગ બનેલા લોકોને મદદરૂૂપ થવું જોઈએ. પરંતુ તેઓએ એમ ના કરી પોતાની જવાબદારીમાંથી પણ હાથ ખંખેરી દેતા હવે ભોગ બનનાર પરિવારને ફરિયાદી બનીને ન્યાય માટે કાનૂનનો સહારો લેવો પડ્યો છે.
બે મહિલાના મૃત્યુ થયાની અને બે મહિલાની કિડની ફેઇલ થયાની રજૂઆત પરિવારજનો દ્વારા 29 સપ્ટેમ્બરના રોજ તે સમયનાં જિલ્લા આરોગ્ય અધિકારી મનોજ સુતરીયાને કરવામાં આવી હતી. તેઓએ આ મામલે ગાંધીનગરથી પસીટથની રચના થઈ હોવાનું જણાવ્યું હતું.
બે પ્રસુતાનું મોત અને બે ની કિડની ફેઇલ થવાના મામલે નોંધાયેલી ફરિયાદ અંગે ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, 10 તબીબો સહિત 11 સભ્યોની કમિટી તપાસ હાથ ધરી હતી. જેમાં હેલ્થ પ્લસ હોસ્પિટલ દ્વારા ઇન્ફેક્શન કંટ્રોલ પ્રોટોકોલ અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલનું પાલન થયું ન હોવાનું જણાયું હતું.