રાજકોટના હેડ કોન્સ્ટેબલ અને તેના બે ભાઇઓ સામે ઠગાઇની ફરિયાદ
ચોટીલાના વેપારી ભાવિનભાઈ જીતેન્દ્રભાઈ કરથીયાએ ચોટીલા પોલીસ સ્ટેશનમાં રાજકોટના હેડ કોન્સ્ટેબલ રાજેશ સીલુ અને સુરેશ સીલુ અને ચોટીલા રહેતા મહેશ સીલુ વિરુદ્ધ 80 લાખની છેતરપિંડીની ચોટીલા પીઆઇ સમક્ષ અરજી કરવામાં આવી હતી. ફરિયાદી ભાવિન જીતેન્દ્રભાઈ કરથિયા( ઉ.વ.40, ધંધો વેપાર)એ પોતાની લેખિત અરજીમાં આક્ષેપો સાથે જણાવ્યું હતું કે,જીતેન્દ્રભાઈ લાલદાસભાઈ કરથિયા (ઉ.વ.69) જે મારા પિતા છે, શશીકાંતભાઈ લાલદાસભાઈ કરથિયા (ઉ.વ.65) જે મારા કાકા છે.જે અમે લોકો ઘણા સમયથી ચોટીલા ગામમાં સાથે રહીએ છીએ અને ચોટીલા ગામમાં વાસણનો વેપાર કરીએ છીએ.અમારી સાથે થયેલી છેતરપિંડીની રજૂઆત તેમજ ફરિયાદ આપવા માટે આ અરજી આપીએ છીએ.અમે લોકો અમારા કુટુંબીજનો સાથે ઘણાં વર્ષોથી ચોટીલા ગામમાં રહીએ છીએ.અમારું જે સોસાયટીમાં મકાન છે તેની સામેના મકાનમાં મહેશભાઈ લાભશંકરભાઈ શિલુ રહે છે અને એ મકાન તેમની માલીકીનું છે.
ભાવિનભાઈના પિતા જીતેન્દ્રભાઈ અને તેમના કાકા શશીભાઈ સાથે ઘર સામે રહેતા મહેશભાઈ સીલુને મિત્રતા હતી. મહેશભાઈ દ્વારા મોરબીના મિરેકલ સિરામિક ફેક્ટરીમાં ધંધા અંગે 80 લાખ ઉછીના આપવા અંગે ત્રણે ભાઈને મદદ કરવા કહ્યું હતું. જીતેન્દ્રભાઈ અને શશીભાઈએ પોતાની મરણ મૂડી સીલુબંધુને આપતા તેઓએ વળતર પેટે જીતેન્દ્રભાઈ અને શશીભાઈને 2 ટકા આપવા 13 ઓક્ટોબર 2015ના રોજ રાજકોટ ખાતે સ્ટેમ્પ પર લખાણ કર્યા હતા. ત્યારબાદ સીલુબંધુએ વળતર આપ્યું ન હતું. મહેશભાઈ અને સુરેશભાઈએ જીતેન્દ્રભાઈને ફોન કરી જે કાર્યવાહી કરવી હોય તે કરી લેવા કહીને ધમકી આપી હતી. ચોટીલા ખાતેની મહેશભાઈની દુકાન પર જતા શશીભાઈ પર મારામારી કરી જેની તે સમયે ફરિયાદ લેવામાં આવી ન હતી.ત્યારબાદ તે રાજેશભાઈ સીલુના કહેવાથી ફરિયાદ દાખલ કરાઈ હતી. 26 માર્ચ 2019 ફરિયાદ કર્યા બાદ કોર્ટમાં 5 વર્ષથી કેસ ચાલુ હોય હાલ ભાવિનભાઈ દ્વારા ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સમક્ષ છેતરપીંડી અંગેની લેખિત અરજી આપવામાં આવતા હાલ આ અંગે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે,હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હાજરી માસ્તર રાજેશ શિલું વિરુદ્ધ અંગે આક્ષેપો થયા બાદ તેમણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.