કાલાવડ રોડ પર મહિલાના ગળામાંથી પોણા બે તોલાના ચેઇનની ચીલઝડપ
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા સ્વીમીંગ પુલ પાસે પંચરત્ન ટાવરના ગેટ પાસે શાકભાજી લઇ રહેલા મહીલાના ગળામાથી પોણા બે તોલાના સોનાની ચેઇનની ચીલઝડપ કરી મોઢે રૂમાલ બાંધી આવેલા બંને શખ્સોની પોલીસે શોધખોળ શરૂ કરી છે. આ અંગે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
કાલાવડ રોડ પર નંદનવન સોસાયટી માતૃછાયા મકાનમા રહેતા જયોતિબા સહદેવસિંહ વાળા નામના પપ વર્ષના મહીલા શનીવારે સાંજના સમયે પોતાના ઘર પાસે આવેલા પંચરત્ન ટાવર પાસે શાકભાજીની લારી માથી શાકભાજી ખરીદતા હતા ત્યારે બાઇકમા આવેલા બે શખ્સોએ મહીલાના ગળામાથી સોનાનો ચેઇન ઝુંટવી લેતા મહીલાના ગળે ઇજા પહોંચી હતી અને તેમણે બાઇક તરફ જોતા બે શખ્સોએ મોઢા પર રૂમાલ બાંધેલા હતા. ત્યારબાદ આ બંને શખ્સો બાઇક પર ભાગી ગયા હતા. ત્યારબાદ આ અંગે પરીવારને બનાવની જાણ કર્યા બાદ પોલીસમા ફરીયાદ નોંધાવી હતી. યુનિવર્સિટી પોલીસે જયોતિબાની ફરીયાદ પરથી પોણા બે તોલાના સોનાનો ચેઇન ઝુંટવી જનાર બંને શખ્સોની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે.