પીપળિયામાં પકડાયેલ બોગસ સ્કૂલની સંચાલિકા સામે ગુનો નોંધાયો
ગૌરી પ્રાઈમરી સ્કૂલ સામે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કરેલી તપાસ બાદ 25 દિવસ પછી કાનૂની કાર્યવાહી
રાજકોટના પીપળીયા ગામમાં શિક્ષણ વિભાગની માન્યતા વગર ચાલતી નકલી સ્કુલ ઝડપી પાડવામાં આવી હતી. જેમાં તપાસ બાદ અંતે 25 દિવસ પછી આ ગૌરી પ્રાઈમરી સ્કૂલની સંચાલિકા સામે કુવાડવા રોડ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
કુવાડવા પોલીસ મથકમાં ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિમલભાઈ રમેશભાઈ ઉધાસે કુવાડવા પોલીસ મથકમાં ગૌરી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના આચાર્ય સંચાલીકા કાત્યાનીબેન તિવારી સામે છેંતરપીડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ ગતા તા.4ના રોજ રૂૂકસાનાબેન શકીલભાઈ ધેલાએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પોતાના બાળકને અન્ય શાળામાં પ્રવેશ લેવડાવવા માટે ગૌરી સ્કૂલમાંથી એલ.સી. કાઢી ન આપતા હોવાની ફરિયાદ કરી હતી. તેના પગલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પોલીસને સાથે રાખી સ્કૂલમાં તપાસ કરવામાં આવતા ગૌરી ઇંગ્લીશ મીડિયમ સ્કૂલની ઓફિસમાંથી અક્ષર સ્કૂલની 11 તો રામકૃષ્ણ વિદ્યાલયની 2 માર્કશીટ ઉપરાંત નક્ષત્ર સ્કૂલના 6 લિવિંગ સર્ટિફિકેટ મળી આવ્યા હતા. શાળામાં કોઈ શિક્ષણ વિભાગની માન્યતાન હોવાથી શાળાને સીલ કરવામાં આવી હતી. ચાર દુકાનોમાં ચાલતી આ નકલી સ્કૂલમાં તપાસ કરતા તેમાંથી 33 બાળકો અભ્યાસ કરતા મળી આવ્યા હતા. આ સંચાલિકાએ જે-તે સમયે 33 બાળકોના લીવીંગ સર્ટીફીકેટ પાંચ દિવસમાં આપી દેવાની બાંહેધરી આપી હતી.
ગૌરી સ્કૂલના 25 વાલીઓ દ્વારા ફીની રસીદ આપવામાં આવી હતી. ઉપરાંત આ સ્કૂલમાં ઇકો કારમાં વિદ્યાર્થીઓને લઇ જતા ડ્રાઈવરનું નિવેદન લેવામાં આવ્યું છે. જેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ ન હોવાનું સામે આવ્યું છે. ભૂતકાળમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી 16 વર્ષની તેમજ રેડ સમયે ફરજ બજાવતી 17 વર્ષની દીકરીએ નિવેદન આપ્યું હતું કે, સ્કૂલ દ્વારા તેમને પગાર આપવામાં આવ્યો નથી. 25 વાલીઓ દ્વારા ગૌરી સ્કૂલના પ્રશ્નપત્રો, ફીની રસીદ અને પરિણામ મળી આવ્યા હતા. તે બાદ યુ ડાયસ ઉપર વિદ્યાર્થીઓનું ટ્રેકિંગ શરૂૂ કરવામાં આવતા અન્ય 5 શાળાઓ મળી આવી હતી. જેમાં પાંચ વર્ષ પહેલાં આ શાળામાં થયેલા એડમિશન મળી આવ્યા હતા જેમાં નામ શ્યામ વિદ્યાવિહાર સ્કૂલનું હતું જેનું નામ હવે બદલીને અક્ષર સ્કૂલ થઈ ગયું છે.
આ ઉપરાંત એમ.બી પટેલ સ્કૂલમાં ગૌરી સ્કૂલનો વિદ્યાર્થી ભણતો હોવાનું સામે આવ્યું હતું. આ સાથે જ ગૌરી સ્કૂલનો વિદ્યાર્થી કે જેને રામદેવ વિદ્યાલયની હોલ ટિકિટ સાથે ધો. 10 બોર્ડની પરીક્ષા આપી હતી અને તેમાં તે વિદ્યાર્થી નાપાસ થયો હતો. ત્યાર બાદ પણ તે વિદ્યાર્થીને ગૌરી સ્કૂલમાં ભણાવવામાં આવતો હતો અને ફી ઉઘરાવવામાં આવતી હતી. આ સમગ્ર પ્રકરણમાં તપાસ બાદ અંતે કુવાડવા પોલીસ દ્વારા આઈપીસી કલમ 465, 468 અને 471 ની મુજબ ગુનો નોંધાયો છે. બોગસ સ્કુલના સંચાલિકાની ધરપકડ માટે તજવીજ શરુ કરી છે.