રાજકોટ સહિત રાજયમાં 300 કરોડનું કૌભાંડ આચરનાર ટોળકી સામે ગુનો નોંધાયો
બ્લોક ઓરા નામની કંપની ઊભી કરી BZ જેવું કૌભાંડ આચરનાર પાંચ સામે ફરિયાદ નોંઘાઇ
ગુજરાતમાં ચકચાર જગાવનાર બીઝેડ કૌભાંડ બાદ રાજકોટમાં જ આવું એક પોન્ઝી સ્કીમ કૌભાંડ બહાર આવ્યું હતુ. ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે રાજકોટના 40 રોકાણકારો સહિત ગુજરાતના 8000 જેટલા રોકાણકારોના 300 કરોડ રૂપિયા ડુબ્યા હતા આ મામલે ભોગ બનનાર રાજકોટના વેપારી સહિતના રોકાણકારોએ પોલીસ કમિશનર સમક્ષ આ મામલે આ કંપનીના ફાઉન્ડર, મેનેજર, ભાગીદાર તથા સૌરાષ્ટ્રના માર્કેટિંગ અને ગુજરાત હેડ સામે ગુનો નોંધવાની માંગ સાથે રજૂઆત કરી હતી આ જુઆતના 18 દિવસ બાદ અંતે પોલીસ કમિશનરની સુચનાથી તાલુકા પોલીસે પાંચ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
આ ટોળકીના ફાઉન્ડર અને ભાગીદારોએ TBAC નામની ક્રિપ્ટો કરન્સી લોન્ચ કરી હતી. બ્લોકઓરા કંપની જે 2020માં શરૂ થઈ હતી તે કંપનીના માલિકો અને મેનેજર સહિતના 6 શખ્સોએ રાજકોટ સહિત ગુજરાતભરમાં રોકાણકારોને રૂા. 4.25 લાખનું રોકાણ કરી તેની સામે દરરોજના ચાર હજાર રૂપિયાના વળતરની લાલચ આપી આશરે છેલ્લા બે વર્ષમાં 300 કરોડ રૂપિયા ઉસેટી ફરાર થઈ જતાં રાજકોટ સહિતના ગુજરાતભરના રોકાણકારોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો હતો. આ મામલે કોઠારિયા રોડ પર બાલાજી એપાર્ટમેન્ટમાં શક્તિ સોસાયટી નજીક બસ્કતી નગરમાં રહેતા અને સાબુ અને પાઉડરની એજન્સી ચલાવતા મોહસીનભાઈ રસીદભાઈ મુલતાણીની ફરીયાદને આધારે બ્લોકવોરા કંપનીના ફાઉન્ડર અંકલેશ્ર્વરના ફિરોઝ દિલાવર મુલતાણી, તેના ભાગીદાર નિતિન જગત્યાની, સૌરાષ્ટ્રના હેડ મુળ લીંબડીના અમિત મનુભાઈ મુલતાણી, સૌરાષ્ટ્રના માર્કેટિંગ હેડ અઝરુદીન સતાક મુલતાણી અને ગુજરાતના હેડ મક્સુદ સૈયદ વિરુધ્ધ ગુનો નોંધાયો છે.
ફરિયાદમાં મોહસીનભાઈએ જણાવ્યા મુજબ આ ટોળકીએ લીંબડીમાં જ્ઞાતિનું સંમેલન બોલાવ્યું હતું. જ્યાં તેનો પરિચય ફિરોઝ સાથે થયા બાદ આ કંપનીના ફાઉન્ડર તથા ભાગીદાર સહિતના 6 શખ્સો રાજકોટ આવ્યા હતાં. અને રાજકોટમાં મોહસીનભાઈ સહિતના અન્ય વેપારીઓ અને મિત્રોને બ્લોકવોરા કંપનીના રોકાણની વાત કરી હતી. તેમણે લોન્ચ કરેલી ક્રિપ્ટો કરન્સી TBAC માં રૂા. 4.25 લાખનું રોકાણકરો તો દરરોજના રૂા. 4000નું વળતર મળશે. તેવી લાલચ આપી હતી તેમજ આ ક્રિપ્ટો કરન્સીનો ભાવ ભવિષ્યમાં 300 ડોલર સુધી પહોંચી જશે અને કરોડો રૂપિયાનો નફો મળશે તેવી લાલચ આપી હતી.
જેથી મોહસીનભાઈએ તેમાં રૂા. 13 લાખનું રોકાણ કર્યુ હતું. તે ઉપરાંત રાજકોટના રજાકભાઈ નિઝામભાઈ મુલતાણીએ રૂા. 3.25 લાખ, સોહિલભાઈ ભટ્ટીએ રૂા. 5.25 લાખ, સાહિલ રજાકભાઈ મુલતાણીએ રૂા. 3.50 લાખ, રિયાઝ રઝાકભાઈ મુલતાણીએ રૂા. 5 લાખ, ઝાવેદ બાબુભાઈ મુલતાણીએ 4.25 લાખ, કમલેશભાઈ શોકભાઈ ખેરે રૂા. 5 લાખ, મનીષભાઈ નરેન્દ્રભાઈ લશ્કરીએ રૂા. 5.50 લાખ, રહિમભાઈ મમદભાઈ જામે રૂા. 8.50 લાખ, સરફરાઝભાઈ અહેમદભાઈ મોગલે રૂા. 5 લાખ અને સાવનભાઈ સલીમભાઈ મુલતાણીએ રૂા. 5.92 લાખનું એમ કુલ 68 લાખનું રોકાણ કર્યુ હતું.
આ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણકારોને આઈડી વેચી અને વળતર મેળવી શકશો તેવી લાલચ આપી આ કરન્સીનો ભાવ રૂા. 300 ડોલર પહોંચશે તેવી લાલચમાં આ રાજકોટના 12 રોકાણકારો ઉપરાંત અન્ય રોકાણકારોને ઝાળમાં ફસાવવા માટે હોટલમાં મીટીંગ બોલાવવામાં આવી હતી અને મોબાઈલમાં ઝુમ મીટીંગ દ્વારા મુંબઈની સહારા હોટલ તેમજ અન્ય ફાઈવસ્ટાર હોટલમાં મીટીંગનો વીડિયો દેખાડ્યો હતો.છેતરપીંડી કરનાર આ ટોળકી વિરુધ્ધ તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે. આ ટોળકીએ ગુજરાતના 8000 રોકાણકારો પાસેથી આશરે 300 કરોડ રૂપીયા ઉઘરાવી છેતરપીંડી કરી હોય ત્યારે હજુ પણ ભોગ બનનાર રોકાણકારો પોલીસ ફરીયાદ નોંધાવવા આવી શકે છે. આ મામલે પોલીસે પણ અન્ય ભોગ બનનારાઓને સાહેદ તરીકે જોડવા તૈયારી બતાવી છે.