અમદાવાદમાં વૈભવી બંગલામાં ચાલતું કોલસેન્ટર ઝડપાયું, બે શખ્સોની ધરપકડ
અમદાવાદના કાંકરિયા નજીક વેદ મંદિર રોડ પાસે આવેલી ખોજા સોસાયટીમાં જીવાણી હાઉસ નામના વૈભવી બંગલામાં ચાલતા કોલસેન્ટર પર ઝોન-6 એલસીબી સ્કવોડે દરોડા પાડીને અમેરિકન નાગરિકોને લોન અને ક્રેડિટ કાર્ડના નામે ઠગાઇના રેકેટનો પર્દ્ફાશ કરી કર્યો હતો. પોલીસે મુંબઇથી ઓપરેટ થતાં કોલસેન્ટરના રિસિવર સલામ ઉર્ફે રાજા જીવાણી (ઉ.30) અને હવાલાથી રૂૂપિયા મુંબઇ મોકલતા સિદ્ધાર્થ નરસીદાણીની ધરપકડ કરી રૂૂ.30.50 લાખની રોકડ, લેપટોપ અને મોબાઇલ સહિત રૂૂ.32 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મુંબઇમાં રહેતાં મુખ્ય આરોપી તુષાર નામના શખ્સની ધરપકડ કરવા માટેની તજવીજ પોલીસે હાથ ધરી છે.
વેદ મંદિર રોડ પાસે જીવાણી હાઉસ નામના વૈભવી બંગલામાં ઝોન-6 એલસીબી સ્ક્વોડના પીએસઆઇ મનિષ બ્રહ્મભટ્ટ અને ટીમે દરોડો પાડ્યો હતો. અમેરિકાન નાગરિકોને લોન અને ક્રેડિટ કાર્ડની લાલચ આપીને પૈસા પડાવતા કોલ સેન્ટરમાંથી સલામન ઉર્ફે રાજા નામના યુવક પાસેથી રોકડા રૂૂ.32.50 લાખ મળી આવ્યા હતા. ઉપરાંત લેપટોપ, મોબાઈલ ફોન અને હાર્ડડિસ્ક સહિતના મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે. તેની પાસેથી જાણકારી મળી હતી કે પૈસા હવાલા મારફતે મુંબઇ મોકલવાનું કામ દાણીલીમડાના તિનબત્તી વિસ્તારમાં રહેતા સિદ્ધાર્થ નરસીદાણી નામનો યુવક સંભાળે છે એટલે પોલીસે તેને દબોચી લીધો હતો. આ બન્ને મુંબઇથી કોલસેન્ટરને ઓપરેટ કરતાં તુષાર નામના યુવક પાસેથી લીડ મેળવીને અમેરિકન નાગરિકોને ઠગતા હતા. હવે પોલીસે મુંબઇના તુષારને ઝડપી લેવા ટીમો રવાના કરી છે.
રૂ.10 કરોડના બંગલામાં સલામન ઉર્ફે રાજા તેના પરિવાર સાથે આ વૈભવી બંગલામાં બેસીને છેલ્લા ઘણા સમયથી કોલસેન્ટર ચલાવીને અમેરિકન નાગરિકોને ક્રેડીટ કાર્ડ તથા લોન લેવા જેવી લોભામણી લાલચ આપીને ઠગાઈ આચરતો હતો ત્યારબાદ વિદેશી નાગરિકો પાસેથી ડોલરમાં રૂૂપિયા પડાવતો હતો.