વીરપુરમાં જલારામ મંદિર સામે સુરતના વેપારીને મળવા બોલાવી 5 લાખ પડાવી લીધા
સુરતના વેપારીને 10 લાખ રૂપિયા છુટાના બદલે રૂા. 11.50 લાખના બંડલ આપવાની લાલચે વીરપુર બોલાવી પાંચ ગઠિયાઓએ વિરપુર જલારામ મંદિર પાસે વેપારીને સાથે વાતચીત કરવા બોલાવ્યા બાદ રૂા. 5 લાખની રોકડ લઈને ફરાર થઈ જતાં આ મામલે વેપારીએ ફરિયાદ નોંધાવતા ચાર શખ્સોને પોલીસે સકંજામાં લઈ વિશેષ પુછપરછ શરૂ કરી છે. મળતી વિગતો મુજબ સુરતના સાબતપુરા બારડોલી પાસે ઠાકોરદદ્વાર એપાર્ટમેન્ટમાં રહેતા દિવ્યભાઈ ઉર્ફે ચિંટુભાઈ મુકેશભાઈ આરીવાલા ઉ.વ.36એ નોંધાવેલી ફરિયાદમાં બોટાદના પાળિયાદ ગામના વાલજી ઉર્ફે વિજય ઉર્ફે મુકેશ ધના મકવાણા, જેતપુરના યુસુફ ઉર્ફે ઈસલો ઝુમાભાઈ ચૌહાણ, અસ્લમખાન નુરખાન પઠાણ, સોહીલ ઈકબાલ તરખેસા અને રજાક કરીમભાઈ ચૌહાણનું નામ આપ્યું છે.
સુરતના વેપારી દિવ્યભાઈએ ફરિયાદમાં જણાવ્યું કે, તે સુરતમાં હતા ત્યારે સતીષ સુરતી સાથે મુલાકાત થઈ હતી અને અમારી પાસે 10-20-50ની નોટના છુટ્ટા રૂપિયા હોય તો તેની સામે નોટોના બંડલ આપવાની અને તેમાં કમીશનની વાત કરી હતી. દિવ્યભાઈને કમિશનની લાલચ જાગતા મુકેશનો સતિષ મારફતે સંપર્ક કર્યો હતો અને 10 લાખના બદલામાં રૂા. 11.50 લાખની લાલચે વાતચીત કરી મુકેશે તેમને જેતપુર મળવા બોલાવી હતી. જેથી દિવ્યભાઈએ મિત્ર મારફતે રાજકોટની એક આંગડિયા પેઢીમાં પાંચ લાખનું આંગડિયુ કરાવી તે રકમ લઈ તેઓ વિરપુર પહોંચ્યા હતાં. વાલજી ઉર્ફે મુકેશે જલારામ મંદિર પાસે ઉભા રહેવાનું કહ્યું હતું અને તે દરમિયાન ચાર શખ્સો જેમાં યુસુફ, અસ્લમ, સોહિલ અને રજાક ત્યાં આવ્યા હતાં. અને પાંચ લાખ રૂપિયા પડાવી લીધા હતાં અને બદલામાં ધમકી આપી ફરિયાદ કરશે તો મારી નાખશે તેવું કહી સુરત જતા રહેવા મુકેશે ફોન ઉપર ધમકી આપતા તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા અંતે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ ટોળકીને સકંજામાં લીધી હોવાનું જાણવા મળ્યું છે.