જામનગરનાં અલિયાબાડા ગામના ધંધાર્થીએ વ્યાજખોરોથી કંટાળી ઝેરી દવા પી લીધી
જામનગર તાલુકાના અલિયા ગામમાં રહેતો મંડપ ડેકોરેશનનો ધંધાર્થી વ્યાજખોર પિતા પુત્રની ચુંગાલમાં ફસાયો છે, અને 25 હજાર રૂૂપિયા વ્યાજે લીધા બાદ પચાસ હજાર ચૂકવી દીધા છતાં હજુ મુદ્દલ અને વ્યાજ લેવા માટે ધાકધમકી અપાતાં ઝેરી પ્રવાહી પી લીધું હોવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે. પોલીસે વ્યાજખોર પિતા પુત્ર સામે ગુનો નોંધ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના અલિયા ગામમાં રહેતા અને મંડપ ડેકોરેશનનું કામ કરતા ભાવેશ નરેશભાઈ પરમાર નામના 20 વર્ષના યુવાને આજથી દોઢ વર્ષ પહેલાં મોડા ગામના અરવિંદસિંહ જાડેજા અને હરદિપસિંહ અરવિંદસિંહ જાડેજા નામના પિતા પુત્ર પાસેથી 25 હજાર રૂૂપિયા લીધા હતા, જેનું દર મહિને 3,500 લેખે વ્યાજ ચૂકવતો હતો. દોઢ વર્ષ સુધી આશરે 50,000 રૂૂપિયા જેટલી રકમ વ્યાજ તરીકે ચૂકવી દીધી હોવા છતાં પિતા પુત્ર દ્વારા ધમકી આપી વધુ વ્યાજ અને મુદ્દલ ની ઉઘરાણી કરાતી હોવાથી તેઓના ડરના કારણે આખરે દવા પી લીધી હોવાથી તેને સારવાર માટે જીજી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ બનાવની જાણ થવાથી પંચકોષી એ. ડિવિઝન ના એએસઆઈ ડી. એ. રાઠોડ જીજી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને તેનું નિવેદન નોંધ્યા બાદ તેની ફરિયાદના આધારે વ્યાજખોર પિતા પુત્ર અરવિંદસિંહ જાડેજા અને હરદીપસિંહ સામે ગેરકાયદે નાણા ધીર ધાર અંગેની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.