ખોરાણા રિસામણે આવેલી પરિણીતાને લગ્નનાં છ મહિનામાં સાસરિયાનો ત્રાસ
રાજકોટ શહેરના ખોરાણા ગામે રહેતી જયશ્રીબેન દિલીપભાઈ વઘેરા(ઉ.31) એ ધ્રોલ પાસે આવેલા ભેંસદડ ગામે રહેતા પતિ દિલીપ કુવરજીભાઈ,સાસુ ગંગાબેન કાકાજી,સસરા વાલજીભાઈ તેજાભાઈ,નણંદ ગીતાબેન લવજીભાઈ સારસા અને નંણદોયા લવજીભાઈ જેઠાભાઈ વિરુદ્ધ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.જયશ્રીબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમના લગ્ન 2021ની સાલના ડિસેમ્બર મહિનામાં થયા હતા.સગાઈ પણ નણંદે કરાવી હતી.લગ્નના બે મહિના લગ્ન જીવન સારી રીતે ચાલેલ બાદમાં પતિ અને સાસુ કહેતા કે તારે પાડોશીઓ સાથે બોલવાનું નહીં અને તારા માતા-પિતા કે સંબંધીઓ સાથે ફોન પર વાતચીત કરવી નહીં. સગાઈ થઈ ત્યારે ઘરનું કામ કરવાનું અને ડ્રેસ પહેરવાની છૂટ તેમજ લગ્ન બાદ વાડીએ કામ કરવું પડશે અને સાડી જ પહેરવાની રહેશે તેમ પતિ નાની નાની બાબતે પાબંદી લગાવતા ઘરમાં ઝઘડો થતો હતો.
તેમજ નણંદ અને નણંદયા સહિતનાઓ પતિને ચડામણી કરતા હતા જેથી પતિ ઉશ્કેરાઈ અને ગાળો આપતા હતા તેમજ લગ્ન બાદ હોળીનો તહેવાર હોય અને પતિ ની સાથે પગે લાગવા જવાનું હોય જેથી તૈયાર થવામાં વાર લાગતા પતિએ ફડાકા ઝીંકી ગાળો આપી અને તને તારા માવતરે કંઈ શીખવાડ્યું નથી તેમ કહેતા હતા.
લગ્ન બાદ વ્રતની ઉજવણી કરતા નણંદને બોલાવ્યા હતા તેઓ પતિને કહેતા કે જયશ્રી હું કહું તેમ કરતી નથી અને પતિ ગાળો આપતા હતા.તેમજ તા.16/09/2022ના રોજ જયશ્રીબેન ફોન પર વાતો કરતા હતા ત્યારે ફોન ઝુંટ્વી અને ઘા કરી દીધો હતો.તારા ઘરના બધા તને ચડાવે છે તેમ કહ્યું હતું.બાદમાં જયશ્રીબેન માવતરે આવી જતા તેમને સમજાવવા અરજી કરી હતી પરંતુ તે લોકો ન સમજતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.